Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

કોવિડની બીજી લહેર દરમિયાન હોસ્પીટલોની કમાણી બમણી થઇ ગઇ

રીપોર્ટ મુજબ પ્રથમ લહેરમાં નુકશાન વેઠવું પડેલ

નવી દિલ્‍હી : કોરોના સંકટ દરમિયાન એક તરફ ઇકોનોમીના ઘણા સેક્ટર બરબાદ થઈ ગયા છે, જ્યારે કેટલાક સેક્ટરને ઘણો લાભ થયો છે. આવુ જ એક સેક્ટર છે હેલ્થ અને ખાસકરી હોસ્પિટલો છે. ક્રેડિટ એજન્સી ICRAના એક અહેવાલ મુજબ કોવિડની બીજી લહેર દરમિયાન હોસ્પિટલોની કમાણી બમણી થઈ ગઈ છે.

રિપોર્ટ મુજબ કોવિડની પ્રથમ લહેર દરમિયાન હોસ્પિટલોને પણ નુકશાન વેઠવુ પડ્યું હતું. ક્રેડિટ એજન્સી ICRAના એક અહેવાલ મુજબ જો કોરોનાની પ્રથમ લહેરની સરખામણી કરવામાં તો બીજી લહેર દરમિયાન હોસ્પિટલોની Occupancy દર બમણી થઈ ગઈ અને તેના કારણે તેમની કમાણીમાં શાનદાર વધારો થયો છે.

રિપોર્ટ મુજબ કોવિડ અને કોવિડ વગરના દર્દીઓને એક સાથે જોવામાં આવે તો આ નાણાંકીય વર્ષ (2021-22)ના જૂનના અંતે પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં હોસ્પિટલોનો Occupancy રેટ 64.2 ટકા રહ્યો, જે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં માત્ર 36.9 ટકા હતો. ગયા નાણાકીય વર્ષના માર્ચમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળા સુધી તે વધીને 58.8% થયો છે.

આ રિપોર્ટ માટે થયેલા સર્વેમાં અપોલો હોસ્પિટલ, ફોર્ટિસ હેલ્થકેર, નારાયણ હ્રદયાલય, Aster DM હેલ્થકેર, મેક્સ હેલ્થકેર, ઇન્સ્ટીટ્યૂટ, હેલ્થકેર ગ્લોબલ એન્ટરપ્રાઇઝ અને Shalby લિમિટેડ સામેલ છે.

એક અહેવાલ મુજબ નાણાકિય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં મોટા ભાગની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની કમાણીનો 25થી 30 ટકા હિસ્સો કોવિડ સારવાર અને રસીકરણ અભિયાનથી જ છે. આટલુ જ નહીં ગત વર્ષના પ્રથમ ક્વાર્ટરથી સરખામણી કરીએ તો આ વખતે જૂનના ક્વાર્ટરમાં હોસ્પિટલની આવકમાં 129 ટકાનો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે મે 2020માં દેશમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ હતી. તેના કારણે મોટાભાગના હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો ઘસારો જોવા મળ્યો હતો. કોરોના દર્દી લાંબા સમય સુધી હોસ્પિટલોમાં દાખલ રહ્યા, જોકે લોકલ સ્તરે ઘણી જગ્યાએ લોકડાઉનના કારણે હોસ્પિટલોમાં કોવિડ વગરના દર્દીઓ ઓછા આવ્યા.

(11:15 pm IST)