Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

અફઘાનીસ્તાનમાં સક્રિય ૨૦૦ કાશ્મીરી આતંકીઓ ભારતમાં મોડયુલ સર્જવાની ફિરાકમાં

મહિલાઓ પણ સામેલઃ વિવિધ કેસોમાં સંકળાયેલ ૨૫ આતંકીઓનો સમાવેશ : પાકિસ્તાન-તાલીબાનના આતંકીઓ સાથે મળી કાશ્મીરમાં મોટા હુમલાની તૈયારી

કાબુલઃ અફઘાનિસ્તાનમાં આઇએસ સાથે જોડાયેલા ૨૦૦ જેટલા આતંકીઓ કાશ્મીરી હોવાનું સામે આવ્યું છે. જેને પગલે સુરક્ષા એજન્સીઓ સક્રિય થઇ ગઇ છે અને આ આતંકીઓ કોણ કોણ છે તેની તપાસ ચાલી રહી છે.

 એજન્સીઓને મળેલા ગુપ્ત રિપોર્ટ અનુસાર અફઘાનિસ્તાનમાં સક્રિય થઇ ગયેલા આતંકી સંગઠન આઇએસકેપી સાથે જોડાયેલા ૨૦૦ જેટલા આતંકીઓ કાશ્મીરના આૃથવા ભારતના અન્ય કોઇ રાજ્યના રહેવાસી રહી ચુક્યા છે.

 આ આતંકીઓમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાના અહેવાલો છે. એનઆઇએના વિવિધ કેસોમાં તપાસ કરાઇ હોય તેમાં સામે આવ્યું છે કે ૨૫ જેટલા આવા આતંકીઓ અફઘાનિસ્તાનમાં છે. અફઘાનિસ્તાનમાં હાજર કાશ્મીરી આતંકીઓ ભારતમાં પોતાનું મોડયૂલ ઉભુ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

 છેલ્લા પાંચ વર્ષમાં એનઆઇએ આઇએસ સાથે જોડાયેલા આશરે એક ડઝનથી વધુ કેસ દાખલ કરી ચુક્યું છે. આ મામલાઓની તપાસ દરમિયાન આઇએસકેપી સાથે જોડાયેલા અનેક આતંકીઓ વિશે જાણકારી મળી છે. જોકે આ આતંકીઓ માર્યા ગયા છે કે જીવીત છે તેની કોઇ જાણકારી નથી મળી શકી.

 સીરિયા અને ઇરાકમાં આઇએસ નબળુ પડી ગયું તે બાદ અફઘાનિસ્તાનને હવે પોતાનું નવુ સ્થાન બનાવ્યું છે. તાલિબાને કબજો કર્યો તે બાદ જેલોમાં કેદ અનેક આતંકીઓને છોડી દેવામાં આવ્યા હતા અને તેમાં મોટા ભાગના આઇએસના જ આતંકીઓ છે. હાલમા જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાકિસ્તાન અને તાલિબાનના આતંકીઓ મળીને કાશ્મીરમા મોટા હુમલાની ફિરાકમાં છે.

(2:47 pm IST)