Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

બીફ ખાવાનો અધિકાર કયારેય પણ મૂળ અધિકાર ના હોઇ શકે : હાઇકોર્ટ

ગાયને રાષ્ટ્રીય 'પશુ' જાહેર કરવામાં આવે : મુઘલ શાસકોએ પણ ગૌ હત્યા પર લગાવ્યો હતો પ્રતિબંધ : ગાય તો ભારતની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિનું રક્ષણ કરવું દેશમાં રહેતા દરેક નાગરિકની ફરજ છે : એ પછી એ કોઇ પણ ધર્મનો કેમ ના હોય : માત્ર હિન્દુઓ જ ગાયનું મહત્વ નથી સમજતાં, મુસ્લિમોએ પણ એમના શાસન દરમિયાન ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને માન્યું છે : ગાયની રક્ષા કરવાના ઢોંગ કરવાની આડમાં પૈસા કમાનારા વિરૂદ્ઘ પણ સરકારે કડક પગલા લેવા જોઇએ

લખનઉ,તા.૨: દેશમાં ગૌ હત્યા અને એની સાથે સંકળાયેલા મોબ લિચિંગના કેસમા ભારે વધારો નોંધાયો છે. એવામાં અલ્હાબાદ હાઇકોર્ટે ગૌ હત્યાના કેસમાં સુનવણી કરતાં મહત્વની ટિપ્પણી કરી છે. ગૌ હત્યાના કેસમાં એક જામીન અરજીને પર સુનવણી દરમિયાન અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઇએ અને ગૌ રક્ષાને હિન્દુઓનો મૂળ અધિકાર બનાવવો જોઇએ. જસ્ટિસ શેખર યાદવની બેન્ચે આ ટિપ્પણી ગૌ હત્યાના આરોપીની જામીન અરજીને ફગાવતાં કરી હતી.

અલ્હાબાદ હાઇકોર્ટનું કહેવુ છે કે, ગાયનું રક્ષણ અને એને પ્રોત્સાહન આપવાનું કાર્ય ધર્મ સાથે જોડાયેલું નથી. ગાય તો ભારતની સંસ્કૃતિ છે અને સંસ્કૃતિનું રક્ષણ કરવું દેશમાં રહેતા દરેક નાગરિકની ફરજ છે. એ પછી એ કોઇ પણ ધર્મનો કેમ ના હોય. કોર્ટે જણાવ્યું કે જયારે કોઇ દેશની સંસ્કૃતિ અને આસ્થાને નુકસાન પહોંચે છે ત્યારે એ દેશ નબળો પડે છે. બીફ ખાવાનો અધિકાર કયારેય પણ મૂળ અધિકાર ના હોઇ શકે. કોર્ટનું કેહવુ છે કે દેશ ત્યારે જ સુરક્ષિત રહેશે જયારે ગાયોનું રક્ષણ થશે અને ત્યારે જ દેશ આગળ વધશે.

દેશ માટે આ અતિ મહત્વના મુદ્દાને લઇને અલ્હાબાદ હાઇકોર્ટે એમ પણ કહ્યું કે, માત્ર હિન્દુઓ જ ગાયનું મહત્વ નથી સમજતાં, મુસ્લિમોએ પણ એમના શાસન દરમિયાન ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને ગણકાર્યું છે. પાંચ મુસ્લિમ શાસકોના રાજમાં પણ ગૌ હત્યા પર પ્રતિબંધ હતો. કોર્ટે કહ્યું કે બાબર, હૂમાયું અને અકબરે એમના તહેવારોમાં પણ ગાયની કુરબાની પર પ્રતિબંધ લાદ્યો હતો. જયારે મૈસૂરના નવાબ હૈદર અલીએ ગૌ હત્યાને દંડને પાત્ર ગુનો જાહેર કર્યો હતો. અલ્હાબાદ હાઇકોર્ટે આ દરમિયાન ગૌ હત્યાના આરોપીની જામીન અરજી રદ કરતાં કહ્યું કે આરોપીએ પહેલા ગાયની હત્યા કરી જેના લીધે સામાજિક શાંતિ ખોરવાઇ છે. જો એને જામીન આપવામાં આવશે તો એ ફરીથી આ કૃત્ય કરી સમાજનો માહોલ વધુ ખરાબ કરશે.

ભારતીય સંસ્કૃતિમાં ગાયના મહત્વને સમજાવતાં અલ્હાબાદ હાઇકોર્ટે કહ્યું કે ગાય ત્યારે પણ ઉપયોગી હોય છે જયારે એ વૃદ્ઘ અને બીમાર હોય છે, એનુ છાણ અને મુત્ર ખેતી કરવા, દવા બનાવવામાં ઉપયોગી છે. સૌથી મોટી વાત એ છે કે, લોકો ગાયને માતા તરીકે પુજે છે. એ ભલે બીમાર કે વૃદ્ઘ થાય એને મારવાનો અધિકાર કોઇને નથી.

હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી કે, સરકારે પણ ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માટે સંસદમાં બિલ લાવવું જોઇએ. જે લોકો ગાયને નુકસાન પહોંચાડે છે એમની વિરુદ્ઘ કાયદો લાવવો જોઇએ. એ લોકો વિરુદ્ઘ પણ કાયદાની કડક જોગવાઇ કરવી જોઇએ ગૌ શાળાની આડમાં ગૌ રક્ષાનું ઢોંગ કરે છે પરંતુ એમનો હેતુ ગૌ રક્ષા નહીં પૈસા કમાવવાનો હોય છે.

(2:47 pm IST)