Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

શું એક ધર્મ નિરપેક્ષ રાજ્ય મદરેસાઓને ફન્ડિંગ આપી શકે છે?: અલ્હાબાદ હાઇકોર્ટે કર્યો સવાલ

શું મદરેસાઓમાં મહિલાઓને પ્રવેશ મળે છે? જો નથી મળતો તો શું એ ભેદભાવપૂર્ણ નથી? : જવાબ માટે રાજ્ય સરકારને 4 સપ્તાહનો સમય આપ્યો

અલાહાબાદ હાઈકોર્ટે ધાર્મિક શિક્ષણ માટે ફન્ડિંગને લઈ બુધવારે અનેક મહત્વના સવાલો કર્યા હતા. હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, શું એક ધર્મ નિરપેક્ષ રાજ્ય મદરેસાઓને ફન્ડિંગ આપી શકે છે? આ સાથે જ એવો સવાલ પણ કર્યો કે શું બંધારણના અનુચ્છેદ 28 અંતર્ગત મદરેસાઓ ધાર્મિક શિક્ષણ સંદેશો અને પૂજા પદ્ધતિનું શિક્ષણ આપી શકે છે?

હાઈકોર્ટે એક અરજીની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને આ સવાલ કર્યા હતા અને આ સવાલોનો જવાબ આપવા માટે 4 સપ્તાહનો સમય આપ્યો છે.

મદરેસાઓ અંગે અનેક સવાલ કર્યા

હાઈકોર્ટ રાજ્ય સરકાર પાસેથી જાણવા ઈચ્છતી હતી કે, શું બંધારણ અંતર્ગત મદરેસાઓ ધાર્મિક શિક્ષણ અને પૂજા પદ્ધતિનું શિક્ષણ આપી શકે? સાથે જ એવો સવાલ પણ કર્યો કે, શું મદરેસાઓ અનુચ્છેદ 25થી 30 સુધી મળતા મૌલિક અધિકારો અંતર્ગત તમામ ધર્મોના વિશ્વાસને સંરક્ષણ આપી રહ્યા છે? હાઈકોર્ટે એવો સવાલ પણ કર્યો હતો કે, શું મદરેસાઓમાં મહિલાઓને પ્રવેશ મળે છે? જો નથી મળતો તો શું એ ભેદભાવપૂર્ણ નથી?

રાજ્યને પુછ્યા આટલા મહત્વના સવાલ-

1. શું મદરેસાઓ કલમ 28 અંતર્ગત ધાર્મિક શિક્ષણ આપી શકે છે?

2. શું મદરેસાઓમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે?

3. શું મદરેસાઓ મૌલિક અધિકારો અંતર્ગત તમામ ધર્મોના વિશ્વાસોને સંરક્ષણ આપી રહ્યા છે?

4. શું ત્યાં કલમ 21 અને 21એ અંતર્ગત રમત માટેના મેદાન છે?

5. શું સરકાર અન્ય ધાર્મિક અલ્પસંખ્યકોના ધાર્મિક શિક્ષણ સંસ્થાનોને ફંડ આપી રહી છે?

જસ્ટિસ અજય ભનોટે પ્રબંધ સમિતિ મદરેસા અંજુમન ઈસ્લામિયા ફૈજુલ ઉલુમની અરજી મુદ્દે આ સવાલ કર્યા હતા. આ મદરેસા બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત છે અને તેને રાજ્ય સરકારની મદદ પણ મળી રહી છે. હાઈકોર્ટે આ તમામ સવાલોનો જવાબ આપવા માટે રાજ્ય સરકારને 4 સપ્તાહનો સમય આપ્યો છે. આગામી 6 ઓક્ટોબરના રોજ આ કેસની સુનાવણી થશે.

(12:58 pm IST)