Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

એક અમેરિકી રિપોર્ટમાં દાવો

ભારતમાં લોકોની ઉંમર ૯ વર્ષ ઘટાડી શકે છે પ્રદૂષણ : જરૂરી પગલા લેવા અનિવાર્ય

નવી દિલ્હી,તા. ૨ : વિશ્વમાં પ્રદૂષણ ચિંતાનો વિષય છે. ભારતમાં પણ સ્થિતી વિકરાળ બનતી જાય છે. વાયુ પ્રદૂષણ બિમારીની સાથે ઉંમર પણ ઘટાડી રહ્યું છે.

દેશના મોટા શહેરોમાં વાયુ પ્રદૂષણ ઘણા સમયથી મોટી સમસ્યા તરીકે ઉભર્યું છે. સમયાંતરે તે દેશના ઘણા શહેરોમાં ફેલાયું છે. ભારત વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે. તાજેતરમાં અભ્યાસ મુજબ ઉત્તર ભારતના શહેરોમાં પ્રદૂષણનું સ્તર ૨૦૧૯ જેટલુ રહેશે તો ત્યાંના રહેવાસીઓના સરેરાશ આયુષ્યમાં ૯ વર્ષનો ઘટાડો થવાની શકયતા છે.

શિકાગો યુનિવર્સિટીના એર કવોલિટી લાઇફ ઇન્ડેકસના અહેવાલ અનુસાર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પ્રદૂષણ સતત વધી રહ્યું છે અને અભ્યાસની વિગત મુજબ આ રાજ્યોમાં પ્રદૂષણ નિયંત્રિત નહીં થાય તો લોકોના આયુષ્યમાં ૨.૫ થી ૨.૯ વર્ષનો ઘટાડો થવાની શકયતા છે. ભારતમાં ૪૮ કરોડથી વધુ લોકો અથવા વસ્તીનો લગભગ ૪૦ ટકા હિસ્સો ઉતરમાં ગંગાના મેદાનોમાં રહે છે. જ્યાં પ્રદૂષણનું પ્રમાણ સતત વધી રહ્યું છે. વેરસિટીના એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યુટે એક અભ્યાસ કર્યો છે. તેમાં એ જાણવાનો પ્રયાસ કરાયો છે કે, વ્યકિતને શુધ્ધ હવા મળે તો તે કેટલું લાંબુ જીવી શકે તેના આધારે કરાયેલા વિશ્લેષણ અનુસાર ઉત્તરભારતમાં પ્રદૂષણ ૨૦૧૯ના સ્તરે જળવાઇ રહેશે તો ત્યાંના લોકોનું સરેશાન આયુષ્ય ૯ વર્ષ કે વધુ ઘટી શકે. અહેવાલમાં જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ભારતનું સરેરાશ પર્ટિકયુલેટ મેટર કોન્સન્ટ્રેશન પ્રતિ ઘનમીટર ૭૦.૩ માઇક્રોગ્રામ g/m3 હતું. જે વિશ્વમાં સૌથી વધુ છે અને WHOની ૧૦ g/m3ની માર્ગ રેખા કરતા સાત ગણું છે. અહેવાલની વિગત અનુસાર 'ભારતમાં વાયુ પ્રદૂષણનું ઉંચુ સ્તર સમયાંતરે ભૌગોલિક રીતે વિસ્તરતું રહ્યું છે. મહારાષ્ટ્ર પણ વાયુ પ્રદૂષણના પ્રમાણમાં મોટો વધારો નોંધાયો છે. ૨૦૦૦ની સાલમની આસપાસના ગાળાની તુલનામાં આ રાજ્યોના લોકોનું સરેરાશ આયુષ્ય ૨.૫ થી ૨.૯ વર્ષ ઘટવાની શકયતા છે.

એક કવોલિટી લાઇફ ઇન્ડેકસનો ડેટા દર્શાવે છે કે, ભારત, બાંગ્લાદેશ, નેપાળ અને પાકિસ્તાનમાં પ્રદૂષણ ઘટાડી WHOની માર્ગરેખાના સ્તરે લાવવામાં આવે તો વ્યકિતના સરેરાશ આયુષ્યમાં ૫.૬ વર્ષનો વધારો થઇ શકે. અહેવાલમાં જણાવ્યા અનુસાર દક્ષિણ એશિયામાં વસ્તી અને પ્રદૂષણના ઉંચા પ્રમાણને કારણે લોકોના આયુષ્યમાં ઘટાડાનો ૫૮ ટકા હિસ્સો આ વિસ્તારમાં થાય છે.

(12:00 pm IST)