Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

જિંદગી તો બેવફા હૈ...ઝળહળતી કારકિર્દીની સફરનો અણધાર્યો-ઓચિંતો અંત

સિદ્ધાર્થ શુકલા No More : હૃદયરોગના હુમલાથી અવસાન

સમગ્ર બોલીવુડ-ચાહકો સ્તબ્ધ : રિયાલીટી શો બિગ બોસના વિજેતા અને સીરીયલ બાલિકા વધૂથી વિખ્યાત બનેલા ૪૦ વર્ષિય એકટરે મુંબઈની કૂપર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધાઃ અનેક ટીવી શો અને ફિલ્મો, સિરીઝમાં કામ કર્યુ હતું

મુંબઇ તા. ૨: ટીવી અને ફિલ્મોના ખુબ જાણીતા અભિનેતા સિધ્ધાર્થ શુકલનું ૪૦ વર્ષની વયે હાર્ટએટેકથી અવસાન થતાં તેના અસંખ્ય ચાહકો શોકમાં ડુબીગયા છે. બાલિકા વધૂ ટીવી શોએ સિધ્ધાર્થને ઘર ઘરમાં ઓળખ અપાવી હતી. તો બિગ બોસ-૧૩માં વિજેતા થયા પછી તે ખુબ જ વ્યસ્ત અભિનેતા બની ગયો હતો. ઝળહળતી કારકિર્દીની તેની સફરનો અચાનક, અણધાર્યો અંત આવી જતાં 'જિંદગી તો બેવફા હૈ, એક દિન ઠુકરાયેગી' એ ગીતની પંકિત જાણે સાચી ઠરી હોય તેવું ચાહકો અનુભવી રહ્યા છે.

મુંબઇઅભિનેતા સિદ્ધાર્થનો જન્મ મુંબઇમાં૧૨ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ થયો હતો. તેણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલ તરીકે કરી હતી. ૨૦૦૮માં તેમણે બાબુલ કા અંગના છૂટે ના નામના ટીવી શોથી ટીવી પરદે એન્ટ્રી કરી હતી.

ત્યારબાદ અનેક ટીવી શો જેમ કે જાને પહેચાને સે, આહટ, લવ યુ જિંદગી, સીઆઇડી, બાલિકા વધૂ, ઝલક દિખલા જા-૬, સાવધાન ઇન્ડિયા (હોસ્ટ તરીકે), ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ-૫ (હોસ્ટ), ફિઅર ફેકટર-ખતરો કે ખિલાડી-૭, દિલ સે દિલ તક, બિગ બોસ-૧૩ અને બિગ બોસ-૧૪, નાગિન-૩, નમક ઇશ્ક કા, રંગરસિયા, ઉતરણ, સસુરાલ સિમર કા, રંગ બદલતી ઓઢણી, મધુબાલા-એક ઇશ્ક એક ઝુનુન સહિતના શોમાં જોવા મળ્યો હતો.

તેણે બોલીવૂડમાં બે ફિલ્મો હમ્પ્ટી શર્મા કી દુલ્હનીયા અને બિઝનેસ ઇન કઝાખિસ્તાનમાં પણ કામ કર્યુ હતું. છેલ્લે તે વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટીફુલ-૩માં મુખ્ય ભુમિકા નિભાવી હતી. ટીવી ઇન્ડસ્ટ્રીમાં સિદ્ધાર્થ શુકલાનું ખુબ મોટું નામ છે. તેણે તેના અભિનયથી દર્શકોના દિલમાં એક સ્થાન મેળવ્યું છે. સીરિયલ બાલિકા વધૂને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો. તેણે બિગ બોસ ૧૩ની સિઝન જીતી હતી.આ ઉપરાંત તેણે ખતરો કે ખિલાડી ૭ શો પણ  જીત્યો હતો.

બિગ બોસ શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો 'ભૂલા દુંગા'માં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ 'દિલ કો કરાર આયા'માંપણ તેણે કામ કર્યુ હતું. જેમાં તેની સાથે નેહા શર્મા હતી.

સિધ્ધાર્થ શુકલાએ ૨૦૦૫માં વિશ્વના શ્રેષ્ઠ મોડલનું ટાઈટલ જીત્યું હતું. આ સ્પર્ધામાં એશિયા, લેટિન અમેરિકા અને યુરોપના ૪૦ કરતાં વધારે ટોચના મોડલે ભાગ લીધો હતો. સિધ્ધાર્થ શુકલાની ઉમર એ વખતે માત્ર ૨૫ વર્ષ જ હતી. તેણે મુંબઇની સેન્ટ ઝેવીયર્સ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો અને રચના સંસદ સ્કૂલમાંથી ઇન્ટિરીયર ડિઝાઇનરની ડીગ્રી મેળવી હતી. સ્કૂલકાળમાં તે સારો ટેનિસ અને ફૂટબોલનો ખેલાડી પણ હતો. તેણે અન્ડર-૧૯ ટીમમાં ફૂટબોલ ટુર્નામેન્ટ પણ રમી હતી. થોડા વર્ષ સુધી તેણે ઇન્ટિરીયર ડિઝાઇનર તરીકે કામ પણ કર્યુ હતું. ચાલીસ વર્ષની વયે સિધ્ધાર્થના નિધનના સમાચાર સાંભળી અસંખ્ય ચાહકો શોકમાં ગરક થઇ ગયા છે.

(3:13 pm IST)