Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ગુજરાતમાં ૭ કરોડથી વધુ લોકો પાસે મોબાઇલ

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ રાજ્યમાં ૬.૧ કરોડ લોકો છે : હવે લોકો કરતા મોબાઇલ વધી ગયા : વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન શિક્ષણને કારણે મોબાઇલ ધારકો વધ્યા : લોકો પાસે મલ્ટીપલ કનેકશન

નવી દિલ્હી તા. ૨ : વધતા જતા કામ અને શિક્ષણની જરૂરિયાતોને ડિજિટલ રીતે પૂરી કરવા માટે, ગુજરાતના લોકો મોબાઈલ કનેકશનના વિકલ્પને પસંદ કરી રહ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા હાલમાં બહાર પાડવામાં આવેલા ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ પ્રમાણે આ વર્ષે જૂનમાં ગ્રાહકોની સંખ્યા ૭ કરોડનો આંકડો પાર કરી ગઈ છે.

માત્ર જૂન મહિનામાં ૨.૭૮ લાખ કનેકશન જોડાવાની સાથે, ટેલી-ડેન્સિટી એટલે કે પ્રતિ ૧૦૦ની સંખ્યા પર મોબાઈલ સબ્સ્ક્રાઈબરની સંખ્યા ગુજરાતમાં ૧૧૪ થઈ ગઈ છે-જે ભારતમાં છઠ્ઠા નંબર પર છે. આ મામલે દિલ્હી ૩૨૪ સાથે સૌથી પહેલા નંબર છે. બાદમાં હિમાચલપ્રદેશ (૧૫૮), પંજાબ (૧૪૦), કેરળ (૧૩૫) અને મહારાષ્ટ્ર (૧૧૭) છે.

૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૬.૧ કરોડ લોકોની વસ્તી સામે, રાજયના મોબાઈલ સબ્સ્ક્રાઈબરે કુલ વસ્તીને સ્પષ્ટપણે વટાવી દીધી છે, જે દર્શાવે છે કે લોકો મલ્ટિપલ કનેકશનનો ઉપયોગ કરી રહ્યા છે.

ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોબાઈલ સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં વધારો મુખ્યત્વે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન કલાસ અને નાના-મોટા ધંધાને ફરીથી શરૂ કરવા પાછળ જવાબદાર છે.

'ઓનલાઇન શિક્ષણ તેમજ વર્ક ફ્રોમ હોમ માટે ઈન્ટરનેટની જરૂરિયાના કારણે મહામારી બાદ બ્રોડબેન્ડ કનેકશનની માગમાં પણ ભારે વધારો થયો છે. જો કે, બ્રોડબેન્ડ કનેકશનની સર્વિસ ક્ષમતા એક સમસ્યા છે કારણ કે તમામ ટેલિકોમ કંપનીઓ તેમના ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કનો વિસ્તાર કરી રહી છે', તેમ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું.

'જો કે, સતત ઈન્ટરનેટ કનેકિટવિટીની જરૂરિયાત રહે છે. સતત કનેકિટવિટીની ખાતરી કરવા માટે લોકો મલ્ટિપલ કનેકશનને પસંદ કરે છે. હકીકતમાં, ઘણા લોકોએ અલગ સિમ કાર્ડ ખરીદ્યું છે, જેનો ઉપયોગ માત્ર તેમના બાળકો દ્વારા કરવામાં આવે છે', તેમ સૂત્રોએ આગળ જણાવ્યું હતું.

આ વર્ષના જૂનમાં, ભારતી એરટેલને આશરે ૯૭,૫૨૬ નવા સબ્સ્ક્રાઈબર, જયારે રિલાયન્સ જિઓને ૫.૪૩ સબ્સ્ક્રાઈબર મળ્યા હતા. બીજી તરફ Vis ૨.૩૭ લાખ સબ્સ્ક્રાઈબર તો રાજયની પોતાના ટેલિકોમ ઓપરેટર બીએસએનએલે ૧.૨૪ લાખ સબ્સ્ક્રાઈબર ગુમાવ્યા હતા. આમ, એકંદરે કુલ સબ્સ્ક્રાઈબરની સંખ્યા વધી છે.

(11:07 am IST)