Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

મુકેશભાઈ હવે ટીવી- ફ્રિઝ પણ બનાવશે

મુંબઈઃ દેશની મહાકાય રિયાલન્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીના મુખિયા શ્રી મુકેશ અંબાણીના નેતૃત્વમાં રિલાયન્સ હવે ફ્રિજ અને ટીવીનું ઉત્પાદન શરૂ કરવા જઈ રહેલ છે. આ માટે બે કંપનીઓમાં તેઓ રસ લઈ રહ્યાના હેવાલો સામે આવ્યા છે.

તાજેતરના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે શ્રી મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ની પેટાકંપની રિલાયન્સ રિટેલે આઇકોનિક ભારતીય બ્રાન્ડ BPL અને Kelvinator હેઠળ કન્ઝયુમર ડ્યુરેબલ પ્રોડકટ્સના ઉત્પાદન અને માર્કેટિંગ માટે લાઇસન્સ મેળવ્યું છે. ટૂંકમાં કહી શકાય કે આગામી દિવસોમાં રિલાયન્સના એપ્લાયન્સિસ જોવા મળી શકે છે.

આ બાબતના જાણકાર અધિકારીઓને ટાંકીને પ્રકાશિત એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ રિટેલે અગાઉના તહેવારોની સિઝનની સરખામણીમાં એમેઝોન અને ફ્લિપકાર્ટમાં વિક્રેતાઓ દ્વારા મૂકવામાં આવેલ ૪૦-૭૦ ટકા સરખામણીમાં ઓર્ડર વોલ્યુમ ૭૦ થી ૪૦૦ ટકા વધારી દીધો છે.

રિલાયન્સ બે જૂની ભારતીય બ્રાન્ડ્સને પુનર્જીવિત કરવા અને તમામ ચેનલોમાં વેચાણ વધારવા માટે આક્રમક માર્કેટિંગ અને વિતરણ વ્યૂહરચના પર કામ કરી રહી છે.

ઓફલાઇન હોય કે ઓનલાઇન BPL અને Kelvinator તમામ સ્થાનિક ઇલેકટ્રોનિક સ્ટોર્સ, રિટેલ અને ઓનલાઇન પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવશે. આગામી ફેસ્ટિવલ સીઝન માટે કંપની નવી વસ્તુઓ અને મોટી જાહેરાત અભિયાન હાથ ધરશે. જોકે આ બાબતે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.

(10:39 am IST)