Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ડ્રગ્સ કેસમાં ૧૪ દિવસની જયુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો અરમાન કોહલી : ઘરેથી કોકેઇન મળ્યું હતું

અરમાન કોહલીની ધરપકડ બાદ બે ડ્રગ્સ પેડલર્સની પણ ધરપકડ કરવામાં આવી હતીઃ એનસીબી હાલમાં મુંબઇના અનેક ઠેકાણે ડ્રગ્સ કેસને લઇને દરોડા પાડી રહી છે

મુંબઇ,તા.૨: નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો (NCB)એ બોલીવુડ અભિનેતા અરમાન કોહલીની ડ્રગ્સ કેસમાં રવિવારે ધરપકડ કરી હતી. એકટરના દ્યરેથી એનસીબીએ દરોડા પાડતાં કોકેઇન મળી આવ્યું હતું. હવે મુંબઇની એક કોર્ટે અરમાન કોહલીને ૧૪ દિવસની જયુડિશિયલ કસ્ટડીમં મોકલી આપ્યો છે.

હાલમાં બોલીવુડ સહિત દક્ષિણ ફિલ્મ જગતની અનેક હસ્તીઓ ડ્રગ્સ કેસમાં નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરોને હાથે ઝડપાઇ રહી છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન કેસની તપાસ પછી આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યું હતું, જે પછી બોલીવુડની અનેક નામચીન હસ્તીઓની ડિપાર્ટમેન્ટ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, આ કેસમાં બોલીવુડ સાથે સંકળાયેલા કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. આ કેસના સામે આવ્યા પછી બોલીવુડ અને ડ્રગ્સના અન્ય કેસ પણ સામે આવ્યા છે. જે પૈકી તપાસ કરી રહેલી એનસીબીએ શનિવારે અભિનેતા અરમાન કોહલીના દ્યરે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન અરમાન કોહલીના દ્યરેથી કોકેઇન મળી આવ્યું હતું. જે પછી રવિવારે એનસીબીએ અભિનેતાની ધરપકડ કરી હતી.

ડ્રગ્સ કેસમાં મુંબઇના અનેક ઠેકાણે દરોડા પાડી રહેલી એનસીબીની ટીમે સોમવારે બે ડ્રગ પેડલર્સને ઝડપ્યા હતા. જેમની પાસેથી એમડી જપ્ત કરવામાં આવ્યું હતું. આ ધરપકડ અરમાન કોહલીની ધરપક પછી થઇ હતી, જેને લઇને માનવામાં આવી રહ્યું છે કે અરમાન કોહલી સાથે આ બંને ડ્રગ પેડલર્સનું કનેકશન હતું.

એનસીબી કેટલાક દિવસથી મુંબઇ ખાતે મહત્વની જાણકારી મેળવીને અનેક ઠેકાણે દરોડા પાડી રહી છે. હાલમાં વિભાગે રોલિંગ થંડર નામનું ઓપરેશન લોન્ચ કર્યું છે. જે હેઠળ અભિનેતા અરમાન કોહલીના દ્યરે દરોડા પાડવામાં આવ્યા હતા. જોકે આ પહેલીવાર નથી બન્યું કે અરમાન કોહલી ચર્ચાનો વિષય બન્યો હોય. વર્ષ ૨૦૧૮માં ઇન્કમ ટેકસ વિભાગે દ્યરે વધુ પ્રમાણમાં દારુની બોટલ રાખવા પર ધરપકડ કરી હતી.

(10:39 am IST)