Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

KBCમાં ભાગ લેનારા અધિકારી સામે રેલવેએ કરી કાર્યવાહી

રાજસ્થાનના કોટા રેલવે મંડળના અધિકારીએ કેબીસીમાં ૩.૪૦ લાખ રૂપિયા જીત્યા હતા : જોકે, કેબીસીમાંથી પાછા આવ્યા પછી રેલવેએ આ અધિકારી સામે કાર્યવાહી કરી હતી : રેલવેએ પોતાની કાર્યવાહી માટે ૯ કારણોમાં સ્પષ્ટીકરણ આપ્યું છે

કોટા,તા.૨:  કૌન બનેગા કરોડપતિ-૧૩ના કન્ટેસ્ટન્ટ દેશબંધુ પાંડે સામે ખાતાકીય કાર્યવાહી કર્યા બાદ હવે રેલવેએ આ સંબંધમાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. રેલવેએ પોતાના તરફથી જારી કરેલા પત્રમાં જણાવ્યું છે કે, કોટા રેલવે મંડળના સ્થાનિક ખરીદી વિભાગના ઓફિસ સુપ્રીટેન્ડન્ટ પદ પર તૈનાત દેશબંધુ પાંડેને નોટિસ આપવા પાછળ કયા કારણ હતા. તો, આ પત્રમાં તેમની વેતન વૃદ્ઘિ રોકવાના અને ખાતાકીય કાર્યવાહી કરવાના કારણોને પણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરાયો છે. ઉલ્લેખનીય છે કે, રેલવે તરફથી ૯ પોઈન્ટ્સમાં કાર્યવાહીનું સ્પષ્ટીકરણ અપાયું છે. તો, દ્યટનાક્રમની સ્થિતિને પણ સ્પષ્ટ કરાઈ છે.

રેલવે દ્વારા અપાયા છે આ ૯ કારણો

(૧) રેલવે તરફથી જારી પત્રમાં જણાવાયું છે કે, ૫ ઓગસ્ટે હેડકવાર્ટર ઓફિસથી ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ (GeM) સંબંધિત પેમેન્ટ્સની સ્થિતિને અપડેટ કરવાના નિર્દેશ અપાયા હતા, જેને કર્મચારીએ પૂરા ન કર્યા.

(૨) પત્રમાં જણાવાયું છે કે, જોકે, પોતાનું કામ પુરું કર્યા વિના કર્મચારી દેશબંધુ પાંડેએ ૬ ઓગસ્ટે કેબીસીનો ઉલ્લેખ કર્યા વિના ૯/૮થી ૧૩/૮/૨૧ સુધી સીએલ માટે અરજી આપી હતી. સીએલ એપ્લીકેશનમાં માત્ર 'જરૂરી કામ'નો ઉલ્લેખ કરાયો હતો, જેના પર ડીએમએમ તરફથી ૬ ઓગસ્ટે જ ખેદ વ્યકત કરાયો હતો.

(૩) પત્રમાં જણાવાયું છે કે, કર્મચારી તરફથી ૯ ઓગસ્ટ, ૨૦૨૧એ (જીઈએમ) સંબંધિત કાર્યને પૂરું ન કરવું, ડ્યુટી પ્રત્યે બેદરકારી રાખવી અને અનાધિકૃત ગેરહાજર રહેવા પર સીનિયર ડીએમએમ તરફથી નોટિસ આપવામાં આવી.

(૪) પત્રમાં એવું પણ વિવરણ અપાયું છે કે, ૧૮ ઓગસ્ટ, ૨૦૨૧એ કર્મચારીએ ડ્યૂટી પર પાછા આવ્યા પછી ચાર્જશીટ મેળવી હતી, જે તેમના તરફથી માગવામાં આવેલી રજાના ચાર દિવસ બાદનો સમય હતો.

(૫) પત્રમાં જણાવાયું છે કે, કર્મચારીના જવાબને વાંચ્યા પછી ૨૭/૮/૨૧એ ૩ વર્ષ માટે વેતન વૃદ્ઘિ રોકવાનો નિર્ણય લેવાયો.

(૬) અધિકારીઓનું કહેવું છે કે, સીએલ, ચાર્જશીટમાં, કર્મચારીના જવાબ કે લગાવાયેલી પેનલ્ટીમાં કેબીસીનો ઉલ્લેખ નથી.

(૭) રેલવેનું એમ પણ કહેવું છે કે, કેબીસીમાં તેમના ભાગ લેવા અંગે ડિસિપ્લીનરી ઓથોરિટી કે કાર્યાલયના કર્મચારીઓને જાણ ન હતી.

(૮) તો, દંડ કરવાનો સમય અને કેબીસીમાં તેમનું ભાગ લેવું માત્ર એક સહ-ઘટના છે.

(૯) પત્રમાં લખ્યું છે કે, છેલ્લા દ્યણા મૌખિક આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા બાદ ૩/૮/૨૧હ્ય્ પણ કર્મચારી પાસે બેદરકારી માટે સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કોટા રેલવે મંડળમાં કાર્યરત રેલવે અધિકારી દેશબંધુ પાંડે તાજેતરમાં જ કૌન બનેગા કરોડપતિ-૧૩માં સ્પર્ધક તરીકે જોવા મળ્યા હતા. જેમાં તેમણે ૩.૨૦ લાખ રૂપિયા પણ જીત્યા હતા. પરંતુ, જયારે પોતાની ડ્યુટી પર પાછા ફર્યા તો તેમની ખુશી નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. કેમકે રેલવે તરફથી તેમને ચાર્જશીટ અપાઈ હતી. સાથે જ તેમનું ઈન્ક્રીમેન્ટ ત્રણ વર્ષ માટે રોકી દેવાયું છે.

(10:38 am IST)