Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

અફઘાનિસ્તાનના હજારો નાગરિકો, પાકિસ્તાન અને ઇરાન તરફની સરહદો તરફ હિજરત કરી રહ્યા છે

તાલિબાનથી બચવા પર્વતો-રણ પાર કરીને જઇ રહ્યા છે : પોતાનો દેશ છોડવા પ્રયાસ કરી રહ્યા છે : ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃધ્ધો પણ મુશ્કેલીઓ વેઠીને છોડવા પ્રયાસ કરી રહ્યા છે

કાબુલ,તા. ૨: તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ હજારો લોકો દેશ છોડી જવા માટે ગમે તે કરી છૂટવા તૈયાર છે. અંતિમ અમેરિકન મિલિટ્રી ટ્રૂપ અફઘાનિસ્તાનમાંથી વિદાય લેતા જ હવાઈ માર્ગે દેશ છોડવાની આશા પર પાણી ફરી વળ્યા બાદ હજારો અફઘાનીઓ સરહદ પાર કરીને પાડોશી દેશમાં જવા પ્રયાસ કરી રહ્યા છે.

હજારો અફઘાનિસ્તાનીઓ રણ અને પર્વતો પાર કરીને અફઘાનની પાકિસ્તાન અને ઈરાન સરહદે જઈ રહ્યા છે. બ્રિટનના રાજકારણીઓએ યુરોપમાં મોટા પાયે હિજરત થવા અંગે ચિંતા વ્યકત કરી છે. અફઘાનિસ્તાની પુરૂષો, મહિલાઓ અને બાળકો તુર્કી પહોંચી શકે છે અને ત્યાંથી તેઓ યુરોપ અને બ્રિટન જવાની આશા રાખી રહ્યા છે.

અફઘાનિસ્તાનીઓની જર્ની નિમરુઝથી શરૂ થાય છે જે અફઘાનિસ્તાનના સૌથી દુર્ગમ પ્રાંતોમાં સામેલ છે. જેનો મોટા ભાગનો વિસ્તાર રણ અને પર્વતોથી ઘેરાયેલો છે. વિડીયો ફૂટેજમાં જોવા મળે છે કે હજારોની સંખ્યામાં અફઘાનીઓ હિજરત કરીને જઈ રહ્યા છે. ભાગ્યે જ તેમનો અવાજ સંભળાય છે. ફકત તેમની સાથે રહેલી બકરીઓનો જ અવાજ સંભળાય છે.

તાજેતરમાં આ જ માર્ગે હિજરત કરી ચૂકેલા એક વ્યકિતએ પોતાની જર્ની વિશે જણાવ્યું હતું કે, ચાર કલાકથી વધુ સમય સુધી સતત ચાલતો રહ્યા બાદ હું આ ખીણમાં પહોંચ્યો હતો અને અંધારુ થાય તેની રાહ જોઈ હતી. રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ ઈરાનીઓ આવ્યા હતા અને તેણે પ્રત્યકે વ્યકિતને કોડ અથવા તો કીવર્ડ પૂછ્યો હતો.

ત્યાં અમને જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા અને પ્રત્યેક જૂથનો એક સ્મગર હતો. ત્યાંથી એક પછી એક જૂથમાં અમને ઈરાન તરફ લઈ જવામાં આવ્યા હતા. ભૂતકાળમાં હું આ રસ્તે ઘણી વખત પસાર થયો હતો. ત્યારે ૨૦૦ જેટલા લોકો હતા પરંતુ આ વખતે તો મોટી સંખ્યા હતી. હજારો લોકો ત્યાં હતા. મેં ત્યાં ગર્ભવતી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ઘોને જોયા હતા. મને યાદ છે કે પર્વતોમાં બાળકોના રડવાનો અવાજ સંભળાતો હતો, તેમ તેણે જણાવ્યું હતું.

મંગળવારે યુએન હાઈ કમિશનર ફોર રેફ્યુજી ફિલિપો ગ્રાન્ડીએ જણાવ્યું હતું કે ૫,૦૦,૦૦૦ જેટલા લોકોએ અફઘાનિસ્તાન છોડ્યું હોવાનો અંદાજ છે. તેમણે અફઘાનિસ્તાનના પાડોશી દેશોને અપીલ કરી છે કે તેઓ તેમને ત્યાં આવવા ઈચ્છતા અફઘાનિસ્તાઓને શરણ આપે.

પાકિસ્તાનના ખૈબર પાસ સાથે અફઘાનિસ્તાનની સરહદ જોડાયેલી છે. એક પાકિસ્તાની અધિકારીએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાન તરફથી હજારો લોકો દરવાજો ખુલે તેની રાહ જોઈ રહ્યા છે. જયારે અફઘાનિસ્તાનની ઉત્ત્।ર તરફની સરહદે ઉઝબેકિસ્તાન ખાતે પણ મુખ્ય ક્રોસિંગ પોઈન્ટ બંધ રાખવામાં આવ્યો છે. ત્યાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને ક્રોસિંગ પોઈન્ટ બંધ રહેશે.

(10:36 am IST)