Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બજાર કડડભુસ : સેંસેક્સમાં ૮૪૦ પોઇન્ટનો રેકોર્ડ કડાકો

રોકાણકારોએ એક જ દિવસમાં પાંચ લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા : બીએસઈમાં લિસ્ટેડ તમામ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડી ઘટીને ૧૪૮.૪ લાખ કરોડ : અનેક શેરોમાં તીવ્ર વેચવાલીથી બજારમાં ફેલાયેલો ખળભળાટ

મુંબઇ, તા. ૨ : શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટને લઇને બજારમાં ખુશી જોવા મળી રહી નથી. જુદા જુદા પરિબળોની અસર હેઠળ આજે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં આજે મચી રહેલા કોહરામ માટે અનેક પરિબળો જવાબદાર રહેતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. શેરબજારમાં કારોબારીઓએ આજે પાંચ લાખ કરોડ ગુમાવ દીધા હતા. તીવ્ર વેચવાલીનું મોજુ રહ્યું હતું. બીએસઈમાં તમામ લિસ્ટેડ કંપનીઓની સંયુક્ત માર્કેટ મૂડીમાં ૪.૭ લાખ કરોડનો ઘટાડો થતાં તેની સંપત્તિ ૧૪૮.૪ લાખ કરોડ થઇ હતી. સતત રેકોર્ડ બનાવી રહેલા શેરબજાર ઉપર આજે બજેટની અસર જોવા મળી હતી. બ્લેક ફ્રાઇડે હેઠળ બજાર તુટ્યા હતા. આજે કારોબાર શરૂ થતાની સાથે જ ૫૦૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ૫૫૦ પોઇન્ટનો કડાકો હતો. નિફ્ટીમાં પણ આવી જ સ્થિતિ રહી હતી. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ ચાર ટકા ઘટને ૧૬૫૭૫ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીના મિડકેપ ઇન્ડેક્સમાં ૪.૩ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૯૭૬૦ રહી હતી. બીએસઈના સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૪.૭ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૭૮૫૦ રહી હતી. નિફ્ટીના સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૬ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૮૨૫૧ રહી હતી. શુક્રવારના દિવસે કારોબારી સત્ર દરમિયાન બીએચઇલ, બજાજ ફાયનાન્સ, તાતા પાવર, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ, એક્સિસ બેંક, મારુતિ સુઝુકીમાં ૭-૪.૫ ટકા સુધીનો ઘટાડો રહ્યો હતો. જો કે, ટેક મહિન્દ્રા એચસીએલ અને ટીસીએમમાં ૧.૪-૦.૫ ટકાનો વધારો રહ્યો હતો. મિડકેપ શેરોમાં અદાણી પાવર, રિલાયન્સ કેપિટલ, રિલાયન્સ કોમ્યુનિકેશન, એમઆરપીએલ અને રિલાયન્સ ઇન્ફ્રામાં ૧૧.૨-૮.૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. મિડકેપ શેરોમાં નજીવો સુધારો રહ્યો હતો. સ્મોલકેપ શેરમાં પીસી જ્વેલર્સ, સોરિન ઇન્ફ્રા, બોંબે ડાઇંગ, જિંદાલ શો, ઇન્ડિયા ગ્લાઇકોલ્સમાં ૨૪.૫-૧૨ ટકાનો ઘટાડો રહ્યો હતો. બજેટમાં  મિડલ ક્લાસ અને પગારદાર વર્ગ માટે કોઇ મોટી જાહેરાત કરવામાં ન આવતા આને લઇને મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ગઇકાલે ગુરૂવારના દિવસે  કારોબારના અંતે સેંસેક્સ ૫૮ પોઇન્ટ ઘટીને ૩૫૯૦૭ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૧૧૦૧૭ની સપાટીએ રહ્યો હતો તેમાં ૧૧ પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. શેરબજારમાં ઇન્કમટેક્સ સ્લેબ યથાવત રાખવામાં આવતા તથા મ્યુચ્યુઅલ ફંડ, કેપિટલ ગેઇન ટેક્સ, કોર્પોરેટ ટેક્સના સંદર્ભમાં જાહેરાત કરવામાં આવ્યા બાદ કડાકો બોલી ગયો હતો. એ વખતે સેંસેક્સમાં ખુબ મોટો કડાકો બોલાયો હતો. લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સને લઇને જાહેરાત કરવામાં આવ્યા બાદ તેની અસર રહી હતી. જીડીપીના ફિસ્કલ ડેફિસિટ ટાર્ગેટ ૩.૩ ટકા રાખવાનું સુચન કરવામાં આવ્યું હતું. કૃષિ અને ગ્રામીણ ક્ષેત્ર પર આ વર્ષના બજેટમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરાયું છે. શેરબજારમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવે તેના એક દિવસ પહેલા મંદીનુ મોજુ ફરી વળ્યુ હતુ. આગામી દિવસોમાં બજેટની અસર હેઠળ શેરબજારમાં પ્રવાહી સ્થિતિ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. બજેટ ઘણા કારોબારીઓ અને મધ્યમવર્ગ માટે નિરાશાજનક રહ્યું હતું. સરકાર વેચાણ મારફતે નાણા ઉભા કરવાની યોજના ધરાવે છે.

બજારમાં કોહરામ......

મિડકેપ-સ્મોલકેપ ઇન્ડેક્સ તુટ્યા

        મુંબઈ, તા. ૨ : શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટને લઇને બજારમાં ખુશી જોવા મળી રહી નથી. જુદા જુદા પરિબળોની અસર હેઠળ આજે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. બજારમાં કોહરામ વચ્ચે નીચે મુજબની સ્થિતિ રહી હતી.

*    સેંસેક્સ ૮૪૦ પોઇન્ટ તુટીને ૩૫૦૬૬ની સપાટીએ

*    નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ

*    બીએસઈ મિડકેપ ઇન્ડેક્સ ૪ ટકા ઘટી ૧૬૭૭૫ની સપાટીએ

*    નિફ્ટી મિડકેપ ૧૦૦ ઇન્ડેક્સ ૪.૩ ટકા ઘટી ૧૯૭૬૦ની સપાટીએ

*    બીએસઈ સ્મોલકેપ ઇન્ડેક્સ ૪.૭ ટકા ઘટી ૧૭૮૫૦ની સપાટીએ

*    નિફ્ટી સ્મોલકેપ ઇન્ડેક્સ ૬ ટકા ઘટી ૮૨૫૧ની સપાટીએ

*    મારુતિ સુઝુકી સહિત અનેક શેરોમાં ૭ ટકા સુધીનો ઘટાડો

*    મિડકેપ શેરોમાં ૧૧ ટકા સુધીનો ઘટાડો

*    સ્મોલકેપ શેરમાં ૨૪ ટકા સુધીનો ઘટાડો

(8:21 pm IST)