Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

૨૦૧૯ની તૈયારીને ધ્યાનમાં લઇ સામાન્ય બજેટ રજૂ થયું

ખેડૂતો, ગામ અને ગરીબને ખાસ ધ્યાનમાં લેવાયા : એસસી અને એસટીના વોટરો માટે શ્રેણીબદ્ધ પગલાઓ

નવી દિલ્હી, તા. ૨ : સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યા બાદ બજેટને લઇને ચર્ચા છે ત્યારે તમામ લોકો માની રહ્યા છે કે, આ બજેટ ખુબ જ સાનુકુળ બજેટ છે. લાંબા ગાળે તમામને ફિલગુડનો અનુભવ કરાવશે. બીજી બાજુ અર્થશાસ્ત્રીઓ પણ બજેટને લઇને આવા જ હકારાત્મક અભિપ્રાય આપી રહ્યા છે. ગામ, ગરીબ અને ખેડૂતો ઉપર વિશેષ ધ્યાન આપીને મૂળભૂત આધારને મજબૂત કરવાના પ્રયાસો થયા છે. ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં લઇને તથા આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓને ધ્યાનમાં લઇને બજેટ તૈયાર કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. બજેટ ભલે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગને નિરાશ કરે છે પરંતુ સરકારે પોતાના ખેડૂત અને ગરીબ મતદારો તરફ ધ્યાન આપ્યુ ંછે. આમા ઘણી જાહેરાતો ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે કરાઈ છે. ગામ, ગરીબ અને ખેડૂતો માટે જે યોજનાઓનો વરસાદ કરાયો છે તેનાથી સંકેત મળે છે કે, સમગ્ર ધ્યાન ચૂંટણી ઉપર છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઓછા માર્જિનથી જીત મળ્યા બાદ તેની સીધી અસર થઇ છે. ગુજરાતમાં કોંગ્રેસના સારા દેખાવથી ભાજપ હવે પોતાની રણનીતિ બદલવા ઇચ્છુક છે. ભાજપ ઉપર ખેડૂત અને ગરીબોની અવગણના કરવાનો આક્ષેપ થઇ રહ્યો હતો જેથી આ વખતે ધ્યાન ગરીબ અને ખેડૂતો ઉપર આપવામાં આવ્યું છે. બજેટમાં પાકને એમએસપીથી દોઢ ગણી રકમ આપવાની વાત કરાઈ છે. ખેડૂતો માટે અન્ય ઘોષણાઓ કરવામાં આવી છે જેમાં કૃષિ સાથે સંબંધિત ચીજવસ્તુઓ બનાવનાર કંપનીઓને ટેક્સમાં છુટછાટ અપાઈ છે. આનાથી સીધો ફાયદો ખેડૂતોને થશે. કારણ કે તેમને ચીજો સસ્તી કિંમતમાં મળશે. ક્રેડિટ કાર્ડ માછીમારો અને પશુપાલકોને આપવામાં આવશે. ૪૨ મેગા ફુડ પાર્ક બનાવવાની જાહેરાત થઇ છે. મોટા પાયે એસસી અને એસટીના વોટરને પ્રભાવિત કરવાના પ્રયાસો થયા છે. ૧૦ કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયાના આરોગ્ય વિમા યોજનાની જાહેરાત કરાઈ છે. જેને માસ્ટર્સ સ્ટોક તરીકે ગણી શકાય છે.

(7:57 pm IST)