Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બ્લેક ફ્રાઇડેની વચ્ચે ડોલરની વિરૂદ્ધ રૂપિયો ઘટી બંધ રહ્યો

રૂપિયામાં ૦.૦૬ ટકાનો ઘટાડો નોંધાયો : લોકલ ઇક્વિટી માર્કેટમાં તીવ્ર કડાકાની નોંધાયેલી અસર

મુંબઇ,તા.૨ : શેરબજારમાં ભારે અફડાતફડીની અસર વચ્ચે અમેરિકા ડોલર સામે રૂપિયામાં પણ કડાકો બોલી ગયો હતો. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં નુકસાનની સીધી અસર જોવા મળી હતી. રૂપિયો આજે ૦.૦૬ ટકા ઘટીને ૬૪.૦૬ની સપાટીએ રહ્યો હતો. ગઇકાલે રૂપિયો ૬૪.૦૩ની સપાટીએ રહ્યો હતો. કરન્સી આજે ૬૪.૧૨ની સપાટીએ ખુલ્યા બાદ ડોલર સામે ૬૪.૨૦ સુધી નીચે પહોંચ્યો હતો. કોઇપણ કારણ આપ્યા વગર આરબીઆઈએ નિવેદનમાં કહ્યું હતું કે, ૧૦ વર્ષના બોન્ડની કિંમત, સવારના નુકસાનથી રિકવર થઇને આગળ વધી રહી છે. સાપ્તાહિક હરાજી માટે તમામ બીડને ફગાવી દેવામાં આવ્યા હતા. સરકારે નિર્ધારિત સાપ્તાહિક હરાજીમાં કોઇપણ બોન્ડનું વેચાણ કર્યું ન હતું. બેંચમાર્ક સેંસેક્સમાં આજે વિક્રમી ઘટાડો રહ્યો હતો. આરબીઆઈ દ્વારા તેની આગામી પોલિસી બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવશે કે કેમ તેને લઇને ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે આ શક્યતા ઓછી દેખાઈ રહી છે. આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક ૭મી ફેબ્રુઆરીના દિવસે યોજાનાર છે. રેટમાં વધારાની શક્યતા હવે ઓછી દેખાઈ રહી છે. વ્યાજદર આરબીઆઈ યથાવત રાખે તેવા સંકેત દેખાઈ રહ્યા છે.

શેરબજાર આજે પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. નાણામંત્રી અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટને લઇને બજારમાં ખુશી જોવા મળી રહી નથી. જુદા જુદા પરિબળોની અસર હેઠળ આજે સેંસેક્સ કારોબારના અંતે ૮૪૦ પોઇન્ટ ઘટીને ૩૫૦૬૬ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૨૫૬ પોઇન્ટ ઘટીને ૧૦૭૬૦ની સપાટીએ રહ્યો હતો. શેરબજારમાં આજે મચી રહેલા કોહરામ માટે અનેક પરિબળો જવાબદાર રહેતા નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું.

(8:22 pm IST)