Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બજેટ ઇફેકટ

શેરબજાર ધડામઃ ચંદ્રબાબુ છેડો ફાડશેઃ શિવસેના લાલઘુમ

લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસની દરખાસ્તની અવળી અસરઃ બપોરે સેન્સેકસ ૮૮૭ અને નીફટી ૨૭૦ પોઇન્ટ ડાઉનઃ વેચવાલીનું પુરઃ બજેટ બાદ એનડીએમાં ફુટઃ ચંદ્રબાબુ નાયડુ નારાજઃ બોલાવી તાકીદની બેઠકઃ શિવસેના પણ નારાજઃ રાજસ્થાનની પેટાચૂંટણી ઇન્ટરવલ હતી, આખી ફિલ્મ ર૦૧૯માં: બજેટ મતદારો માટે નહી જનતા માટે હોવુ જોઇએ

નવી દિલ્હી તા.ર : ગઇકાલે નાણામંત્રી અરૂણ જેટલીએ રજુ કરેલા બજેટની શેરબજાર ઉપર અવળી અસર પડી છે. નાણામંત્રી લોંગ ટર્મ કેપીટલ ગેઇન ટેકસ લાદતા આજે પણ શેરબજારમાં ભુકંપ આવ્યો છે. બપોરે આ લખાય છે ત્યારે સેન્સેકસ ૮૮૭ પોઇન્ટ ઘટીને ૩૫૦૧૯ અને નીફટી ૨૭૦ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૭ ઉપર ટ્રેડ કરી રહી છે. શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે તો બીજી તરફ એનડીએમાં પણ ફુટ પડે તેવા નિર્દેશો મળી રહ્યા છે. એનડીએના સૌથી મોટા પક્ષ ચંદ્રબાબુ નાયડુ બજેટથી ભારે નારાજ થયા છે અને આંધ્રપ્રદેશની અવગણના થઇ હોવાનુ જણાવી એનડીએ સાથે છેડો ફાડવા અર્થાત યુધ્ધે ચડવા તૈયાર છે અને તેમણે નિર્ણય લેવા તાકીદની બેઠક બોલાવી છે તો બીજી તરફ શિવસેનાએ પણ બજેટ અંગે નારાજગી વ્યકત કરી કહ્યુ છે કે બજેટ ચૂંટણી લક્ષી છે અને બજેટ મતદારો માટે નહી પણ જનતા માટે હોવુ જોઇએ. બજેટમાં કઇ નવુ નથી. શિવસેનાએ રાજસ્થાનમાં ભાજપના પરાજય અંગે કટાક્ષ કરતા કહ્યુ છેે કે રાજસ્થાનની પેટાચૂંટણી ઇન્ટરવલ હતી આખી ફિલ્મ ર૦૧૯માં જોવા મળશે.

 

શેરબજાર

બજેટના બીજા દિવસે પણ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સરકારે લાંબા ગાળાની કેપીટલ ગેઇન પર ટેકસ લગાવવા અને ફિઝીકલ ખાધ વધુ હોવાથી શેરબજારમાં  આજે ભુકંપ જોવા મળ્યો હતો. બપોરે આ લખાય છે ત્યારે ૨.૪૫ વાગ્યે સેન્સેકસ ૮૮૭ પોઇન્ટ ઘટીને ૩૫૦૧૯ ઉપર છે અને નીફટી ૨૨૮ પોઇન્ટ ઘટીને ૧૦૭૪૭ ઉપર ટ્રેડ કરે છે. બેંક, ઓટો, ફાઇનાન્સીયલ, ટેલીકોમ શેરોમાં વેચવાલીનું પુર જોવા મળ્યુ હતુ. અદાણી પોર્ટ, લાર્સન, મારૂતિ, રિલાયન્સ, એસબીઆઇ, કોલ ઇન્ડિયા, એનટીપીસીના શેર તુટયા છે. કેપીટલ ગેઇન ટેકસથી બજારનું સેન્ટીમેન્ટ તુટી ગયુ છે. બેંક નીફટીમાં ૬૫૦ પોઇન્ટનો કડાકો બોલી ગયો છે.

ચંદ્રબાબુ નાયડુ

બજેટ બાદ ભાજપને તેના સાથી તરફથી જ આંચકો લાગ્યો છે. એનડીએમાં સામેલ ચંદ્રબાબુ નાયડુના ટીડીપીએ બજેટ અંગે નિરાશા વ્યકત કરી છે. આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ બજેટ ફાળવણીને અયોગ્ય ગણાવી છે. તેઓ રાજયની અવગણનાથી નારાજ થયા છે અને કહ્યુ છે કે, અમે ગઠબંધનનો ધર્મ નિભાવી રહ્યા છીએ. જો ભાજપ અમને ઇચ્છતુ ન હોય તો અમે નમસ્તે કરી દેવા તૈયાર છીએ. હવે ટીડીપી આર યા પારની લડાઇ લડવા માંગે છે. કાં તો સાંસદો રાજીનામુ આપી દેશે અથવા તો ગઠબંધનમાંથી નીકળી જશે. તેમણે પક્ષની એક તાકીદની બેઠક પણ બોલાવી છે અને જેમાં તેઓ મહત્વનો નિર્ણય લેશે. આ બેઠકમાં નક્કી થશે કે કેન્દ્ર અને રાજયમાં એનડીએ સાથે ગઠબંધન ચાલુ રાખવુ કે તોડી નાખવુ. રવિવારે ટીડીપીના સંસદીય બોર્ડની બેઠક યોજાશે. ટીડીપીના સાંસદ ટી.જી.વ્યંકટેશે કહ્યુ છે કે અમે ભાજપ વિરૂધ્ધ વોરની જાહેરાત કરવા જઇ રહ્યા છીએ. બજેટમાં આંધ્રપ્રદેશ માટે ફંડ નહી ફાળવાતા અન્યાયનો જવાબ તેઓ ભાજપ સાથે ગઠબંધન તોડીને આપે તેવી શકયતા છે.

શિવસેના

એનડીએના સાથી પક્ષ શિવસેનાએ પણ બજેટની ટીકા કરી છે. બજેટથી અમે દુઃખી છીએ. અંતિમ બજેટ હોવા છતાં આમ લોકો માટે કશુ આપવામાં આવ્યુ નથી. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યુ છે કે બજેટ ચૂંટણીને ધ્યાનમાં રાખી અપાયુ છે. બજેટ મતદારો માટે નહી પરંતુ પ્રજા માટે હોવુ જોઇએ. બજેટ ભાષણમાં કશુ નવી નથી. તેમણે ગઇકાલે રાજસ્થાનને મળેલી હાર અંગે કહ્યુ છે કે ગુજરાતની ચૂંટણી ટ્રેલર હતી અને રાજસ્થાનની પેટાચૂંટણીનું ઇન્ટરવલ છે હવે આખી ફિલ્મ ર૦૧૯માં જોવા મળશે. એક વખત તીર બહાર નીકળી જાય તો તેને પાછુ ખેંચવાની સંભાવના રહેતી નથી.

(3:34 pm IST)