Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

કર્ણાટકમાં ૨૦૨૨ ગામમાં કોઇ વ્યક્તિ ગ્રેજ્યુએટ નથી

શિક્ષણને લઇને ચોંકાવનારા આંકડા સપાટી ઉપર : ૩૦૦૦૦ ગામ એવા છે જે પૈકી ૨૦૦૦થી વધુ ગામમાં ગ્રેજ્યુએશનને લઇ ઉદાસીનતા : સરકાર આક્રમક મૂડમાં

ધારવાડ,તા. ૨ : કર્ણાટક સરકારે ચોંકાવનારા આંકડા રજૂ  કર્યા બાદ તેની પોતાની ઉંઘ હરામ થઇ ગઇ છે. આંકડા દર્શાવે છે કે રાજ્યમાં ૨૦૨૨ એવા ગામ છે જ્યાં એક પણ ગ્રેજ્યુએટ નથી. કર્ણાટકમાં કુલ ૩૦૦૦૦ ગામો છે. આમાથી ૨૦૦૦થી વધુ ગામો એવા છે જ્યાં એક પણ ગ્રેજ્યુએટ નથી. આ બાબત રાજ્ય માટે ચિંતાજનક બાબત છે. સ્વતંત્રતા બાદ સર્વ સાક્ષરતા અભિયાન મારફતે ગ્રામીણ શિક્ષાને ખુબ મહત્વ આપવામાં આવ્યું હતું. આ સ્કીમ હેઠળ ગ્રામીણ સાક્ષરતામાં વધારો થયો છે પરંતુ ગ્રેજ્યુએશનની બાબત હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે મુશ્કેલરુપ બનેલી છે. કેટલાક ગામ જેની વસતી ૨૦૦૦થી ૩૦૦૦ વચ્ચે છે જ્યાં સામાન્ય વ્યક્તિ સુધી ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચી શક્યા નથી. ગ્રેજ્યુએશન તેમના માટે દૂરની બાબત બનેલી છે.આ આંકડા વધુ હોઈ શકે છે. સર્વે બાદ તમામ વિગત રજૂ કરવામાં આવી છે. દરેક જિલ્લામાં આશરે ૧૫ ટકા ગામ એવા છે જેમાં એક પણ ગ્રેજ્યુએટ નથી. કોલાર, ટુમકુર, ઉત્તર કર્નડમાં રહેલા જિલ્લાઓમાં આ પ્રકારના ગામ વધુ છે. રાજ્ય સરકાર આને ખુબ જ ગંભીરરીતે લઇ રહી છે અને ૨૦૦થી વધુની વસતીવાળા ગામોમાં ઓછામાં ઓછા એકને ગ્રેજ્યુએશન સુધી પહોંચાડવાની યોજના બનાવી રહી છે. આ દિશામાં કોલેજ એજ્યુકેશન વિભાગે પહેલાથી જ એક સ્કીમ જાહેર કરી દીધી છે. આ સ્કીમ હેઠળ સરકારે તમામ ૩૦ જિલ્લાઓની સરકારી કોલેજના પ્રિન્સિપલને નોડલ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે. આના માટે શરૂઆતમાં ૨૦૦થી વધારેની વસતી ધરાવતા ૮૩૩ ગામોની પસંદગી કરાઈ છે. ૧૨માં ધોરણ પછી અભ્યાસ નહી કરનાર તમામ વિદ્યાર્થીઓ માટે પ્રોફેસરોની નિમણૂંક કરવામાં આવી રહી છે.

(12:39 pm IST)