Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

ગોવામાં હવે જાહેરમાં નહીં પી શકાય દારૂ, રૂલ્સ તોડયો તો થશે ૫૦૦૦નો દંડ

પણજી તા. ૨ : ગોવામાં સહેલાણીએ અને પ્રવાસીઓ હરવા ફરવાની સાથે દારુની મોજ માણવા જતાં હોય છે, પણ હવે આ તમારે માટે જોખમરૂપ બની શકે છે. કેમકે ગોવામાં હવે એક નવો કાયદો બનવા જઇ રહ્યો છે. જે અંતર્ગત દારુ પીવાથી અલગ અલગ જાહેર જગ્યાઓએ દંડની જોગવાઇ રહેશે.

ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરે કહ્યું કે, જો કોઇ વ્યકિત દારુ પીતા પકડાઇ જશે તો તેને પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. સરકારા અનુસાર, આ પગલું ગોવામાં વધતી ગંદકીને રોકવા માટે લેવામાં આવ્યું છે. અહીં ટુરિસ્ટ અને લોકલ લોકો દારુ પીધા પછી ખાલી બોટલ અને અન્ય સામાન ત્યાં જ ફેંકી દે છે. જેના કારણે ગંદકી ફેલાય છે.

પરિકરે ગુરુવારે રાજય પંચાયત વિભાગના સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમમાં ભાગ લીધો. આ દરમિયાન તેમને કહ્યું કે, ટુંકસમયમાં જ ગોવામાં પબ્લિક પ્લેસ પર દારુ પીવો ગુનો માનવામાં આવશે. કાયદો તોડનારાને પાંચ હજાર રૂપિયાનો દંડ પણ કરવામાં આવશે. રાજય સરકાર બજેટ સેશન બાદ એક બીલ લાવશે. ગોવા વિધાનસભામાં બેજટ સેશન આ મહિનાના અંતમાં શરૂ થશે.

મનોહર પરિકરે કહ્યું કે, લોકો દારુ પીધા પછી ખાલી બોટલ્સ જાહેર સ્થળો અને રસ્તાંઓ પર ફેંકી દે છે. જેના કારણે ગંદકી વધુ ફેલાય છે. સરકાર સફાઇ સાથે જોડાયેલા તેમજ પહેલાથી ઉપલબ્ધ કાયદેમાં પણ ફેરફાર કરવા જઇ રહી છે. આનાથી ગંદકી પર અટકાવામાં ખુબ મદદ મળશે.

આ કાયદાથી એવા લોકો પર સખત કાર્યવાહી કરવામાં આવશે જે ચોક્કસ જગ્યા સિવાય ગમે ત્યાં કચરો ફેંકી દે છે. આ બે પગલાંથી રાજયમાં ગંદકીની મુશ્કેલીથી ૯૦ ટકા રાહત મળશે.

(12:37 pm IST)