Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બજેટથી ભાજપના 'મિશન ૨૦૧૯' પર મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક

બજેટ ભલે મધ્યમ વર્ગ અને નોકરીયાત વર્ગ માટે નિરાશાજનક રહ્યું હોય પરંતુ તેમાં સરકારે પોતાના મતદાતા ખેડૂત તથા ગરીબનું ખૂબ જ ધ્યાન રાખ્યું

નવી દિલ્હી તા. ૨ : આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલાં નાણાંમંત્રી અરૂણ જેટલી દ્વારા રજૂ કરાયેલ બજેટ ભલે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગ માટે નિરાશાજનક રહ્યું હોય પરંતુ તેમાં સરકારે પોતાના મતદાતા ખેડૂત તથા ગરીબનું ખૂબ જ ધ્યાન રાખ્યું છે. બજેટમાં ખેડૂતો અને ગરીબો માટે કેટલીય મોટી જાહેરાતો કરાઇ છે. તેમાં ૨૦૧૯માં યોજાનારા સામાન્ય ચૂંટણી અને આ વર્ષે કેટલાંય રાજયોમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રખાઇ છે.

જેટલીની પોટલીથી ગામડાં, ગરીબ, અને ખેડૂતો માટે યોજનાઓની જાહેરાતો પરથી સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે કે સરકારનું ફોકસ ચૂંટણીની તૈયારી જ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપની જીત એ કેન્દ્રમાં તેની સરકારને અસહજ કરી છે. ગુજરાતમાં કોંગ્રેસના સારા પ્રદર્શન બાદ ભાજપ પોતાની રણનીતિ બદલવા માંગતી હતી તેની એક ચર્ચા હતી. ભાજપ પર ખેડૂતો અને ગરીબોને નજર અંદાજ કરવાનો આરોપ મૂકાવા લાગ્યા હતા. આથી જેટલીએ ગામડાં, ગરીબ, અને ખેડૂતો માટે પોતાનો પટારો ખોલી દીધો.

બજેટમાં પાકોને ટેકાના ભાવથી દોઢ ગણી કિંમત પર ખરીદવાની જાહેરાત કરાઈ. સરકાર એ આ સિવાય ખેડૂતો માટે કેટલીય બીજી જાહેરાતો કરી છે. આ સિવાય ખેતી સાથે સંબંધિત સામાન બનાવનાર કંપનીઓને પણ ટેકસમાંથી છૂટ આપી છે. તેનો સીધો ફાયદો ખેડૂતોને જ મળશે કારણ કે તેને વસ્તુ સસ્તા ભાવમાં મળશે.

મોદી સરકારના અત્યાર સુધીના કાર્યકાળમાં ગરીબો માટે જનધન અને ઉજ્જવલા જેવી કેટલીક મોટી યોજનાઓ ચોક્કસ લોન્ચ કરાઇ, પરંતુ સરકાક પોતાનો કાર્યકાળ ખત્મ થતા પહેલાં ગરીબો માટે એક મોટી યોજના લાવવા માંગતું હતું. તેની તૈયારી સરકાર છેલ્લાં કેટલાં સમયથી કરી રહ્યું હતું. તેના અંતર્ગત સરકાર એ ૧૦ કરોડ ગરીબ પરિવારો માટે ૫ લાખ રૂપિયાની સ્વાસ્થ્ય વીમા યોજનાની જાહેરાત કરી મોટો દાવ રમ્યા છે.

ભાજપને આશા છે કે સરકારનો આ નિર્ણય આવતી લોકસભા ચૂંટણીમાં પાર્ટીને મોટો ફાયદો પહોંચાડશે. કારણ કે આ દાયરામાં મોટાપાયે એસસી-એસટીના મતદારો આવશે. મોદી સરકારનો આ માસ્ટરસ્ટ્રોક મનાય છે.

બજેટ ભાષણમાં જેટલી કૃષિ પર ઘણું બોલ્યા હતા. તેના પરથી ખબર પડે છે કે નરેન્દ્ર મોદી સરકાર ખેડૂતોને હવે વધુ નારાજ કરવાનું જોખમ ઉઠાવવા માંગતા નથી. ટામેટા, બટાકા અને ડુંગળી જેવી આખું વર્ષણ વપરાતી ખાદ્ય વસ્તુઓ માટે 'ઓપરેશન ફલડ'ના તર્જ પર 'ઓપરેશન ગ્રીન' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેના માટે સરકાર એ ૫૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. એવા છોડ જેનો દવામાં ઉપયોગ કરાય છે સરકાર તેનું પણ ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન આપશે. જૈવિક ખેતીને પ્રોત્સાહિત કરાશે. ક્રેડિટ કાર્ડ માછીમારો અને પશુપાલકોને પણ મળશે. ૪૨ મેગા ફૂડ પાર્ક બનાવાશે. મત્સ્ય પાલન અને પશુપાલન માટે ૧૦૦૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે. વાંસનું ઉત્પાદન વધારવા માટે પણ સરકાર એ ૧૨૦૦ કરોડનું ફંડ ફાળવવાની જાહેરાત કરી છે. કહેવાય છે કે પૂર્વોત્તર રાજયોમાં આ નિર્ણયની મોટી અસર થશે.

(12:36 pm IST)