Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

સોનાનેએસેટ કલાસ તરીકે વિકસાવવા ગોલ્ડ પોલિસીની જાહેરાત

લંડન બુલિયન માર્કેટ અસોસિએશનના નિયમ પ્રમાણે ભારતમાં પણ સોનાનું બજાર વિકસિત થાયએ માટે સરકાર પ્રયાસ કરશે

નવી દિલ્હી તા.૨: ભારતીય લોકો સોનાની ખરીદીને પરંપરાગત રોકાણ તરીકે માને છે. પરંતુ સરકાર એને એક એસેટ કલાસ તરીકે વિકસાવવા માંગતી હોવાથી કેન્દ્રીય નાણાપ્રધાને બજેટમાં ગોલ્ડ પોલિસીની જાહેરાત કરી છે. છેલ્લાં બે વર્ષથી દેશમાં આ બાબતે અનેક ચર્ચાવિચારણા થઇ છે, પરંતુ આખરે સરકારે એની જાહેરાત કરી દીધી છે.

સરકાર દ્વારા ગોલ્ડ પોલિસી અંતર્ગત ગોલ્ડ એકસચેન્જ જેમાં ગ્રાહક ફ્રેન્ડ્લી અને ટ્રેડની સિસ્ટમ સારી રીતે ચાલી શકે એવી ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. આ ઉપરાંત ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં પણ જરૂરી ફેરફાર કરીને લોકો ભયમુકત ગોલ્ડ ડિપોઝિટ કરી શકે એ મુખ્ય હેતુ છે  એમ જેટલીએ જણાવ્યું હતું.

લંડન બુલિયન માર્કેટ એસોસિએશનના નિયમ પ્રમાણે ભારતમાં પણ સોનાનું બજાર વિકસિત થાય એ માટે સરકાર પ્રયાસ કરશે.

સરકાર દ્વારા ગોલ્ડ બોર્ડની પણ રચના કરવામાં આવે એવી સંભાવના છે. જો આ શકય બનશે તો ગોલ્ડ સ્પોટ એકસચેન્જને પણ કાયદાકીય સ્ટેટસ મળશે.

કોટક મહિન્દ્ર બેન્કના મેટલ- ફોરેકસ વિભાગના બિઝનેસ-હેડ શેખર ભંડારીએ જણાવ્યું હતું કે નાણાપ્રધાનની આ સમયસરની જાહેરાત છે. નવી પોલિસીને કારણે બેન્કોની પણ ભાગીદારી વધશે અને બીજા કેટલાંક પ્રોત્સાહનો જાહેર કરવામાં આવે એવી પણ સંભાવના છે જેમાં નિકાસકારોને વ્યાજમાં માફી આપવામાં આવે. આ ઉપરાંત ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં રોકાણ વધશે તો ભારતની આયાતમાં ઘટાડો પણ થઇ શકે છે.

(12:34 pm IST)