Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

બજેટની અસરે ખાદ્યતેલ ૩થી ૫% મોંઘા થશે

આયાત ડ્યૂટી ઉપરનો સરચાર્જ ૩%થી વધી ૧૦% થયોઃ વિવિધ તેલની ડ્યૂટી વધારીને ૩૦% કરી

નવી દિલ્હી તા. ૨ : ખાદ્યતેલનાં ભાવ આગામી દિવસોમાં ભડકે બળે તેવી સંભાવનાં છે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટમાં ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં જબ્બર વધારો કરી દીધો છે, જેને પગલે આયાતી તેલો મોંઘા થશે તો સ્થાનિક તેલનાં ભાવ પણ વધી જાય તેવી સંભાવનાં છે.

નાણા મંત્રીએ પોતાનાં બજેટ પ્રવચનમાં ખાદ્યતેલની આયાત ડ્યૂટી અંગે કોઈ જાહેરાત કરી નહોંતી, પરંતુ તેનાં વિવિધ પેપરો જોતા ખાદ્યતેલની આયાત ડ્યૂટીમાં ૧૫ ટકાથી પણ વધુનો વધારો કરવામાં આવ્યો છે. સરકારે તમામ પ્રકારનાં કાચા ખાદ્યતેલ જેમ કે સિંગતેલ,કપાસિયા તેલ, ઓલીવ ઓઈલ, કોપરા તેલ, સફોલા તેલ, પામ કર્નલ, અળસી, મકાઈ તેલ, એરંડા-તલનું તેલ અને અન્ય કાચા તેલની આયાત ડ્યૂટી હાલમાં ૧૨.૫ ટકા લાગે છે, જે વધારીને સીધી ૩૦ ટકા કરવામાં આવી છે. એ જ રીતે રિફાઈન્ડ ખાદ્યતેલની આયાત ડ્યૂટી હાલમાં ૨૦ ટકા છે, જને વધારીને સીધી ૩૫ ટકા કરવામાં આવી છે. જોકે પામોલીનની ૪૦ ટકા હતી, જે જાળવી રાખી છે.

કેન્દ્ર સરકારે ગત નવેમ્બર મહિનામાં જ સોયાબીન, સનફલાવર અને રાયડા તેલની ડ્યૂટી વધારી હતી. જેમાં સોયાબીનની ૩૦ ટકા કરતા તેમાં કોઈ વધારો થયો નથી, જયારે કપાસિયા તેલ-સિંગતેલની ડ્યૂટી ૧૨.૫ ટકાથી વધીને ૩૦ ટકા અને રિફાઈન્ડમાં ૨૦ ટકાથી વધીને ૩૦ ટકા થઈ છે.

દેશમાં દર વર્ષે આશરે ૧૫૦ લાખ ટન ખાદ્યતેલની આયાત થાય છે, જેમાં સૌથી મોટો હિસ્સો પામતેલ અને સોયાતેલનો છે, જેમાં સરકારે ગત નવેમ્બરમાં જ ડ્યૂટી વધારી છે, પરિણામે હાલ તેમાં કોઈ અસર થશે નહીં, પરંતુ ઓલીવ ઓઈલની આયાત મોંઘી પડશે.

સરકારે ડ્યૂટીમાં સીધા વધારા ઉપરાંત તેનાં સરચાર્જમાં પણ વધારો કર્યો છે. અત્યાર સુધી ડ્યૂટી ઉપરાંત ત્રણ ટકાનો સરચાર્જ લાગતો હતો, જે હવેથી ૧૦ ટકા સરચાર્જ લાગશે. સરચાર્જમાં વધારાને કારણે પણ સરેરાશ તમામ ખાદ્યતેલની ડ્યૂટીમાં ત્રણથી ચાર ટકાનો વધારો થાય છે.(૨૧.૯)

કપાસિયા તેલની ઐતિહાસિક આયાત હવે નહીં થાય

દેશમાં ચાલુ વર્ષે ઈતિહાસમાં સૌપ્રથમવાર ૧૫ હજાર ટન કપાસિયા તેલની આયાત માટે અમેરિકાથી સોદા પણ થયાં હતાં અને ગુજરાતની બે પાર્ટીએ પણ આ તેલ ખરીદું હતું, પરંતુ બજેટમાં ડ્યૂટી વધવાની અફવાઓ આવી હોવાથી આ સોદા બારોબાર જ સુલ્ટાઈ ગયાં હતાં. હવે કપાસિયા તેલની આયાત ડ્યૂટી ૩૦થી ૩૫ ટકા થઈ ગઈ હોવાથી હવે નવા વેપારો થવાની સંભાવનાં પૂરી થઈ ગઈ છે અને આયાત પણ શકય નથી.

ખાદ્યતેલની આયાત ડ્યૂટીનું નવું માળખું

ખાદ્યતેલ

જૂની

નવી

સિંગતેલ

૧૨.૫%

૩૦%

કપાસિયા

૧૨.૫%

૩૦%

સોયાબીન

૩૦%

૩૦%

સનફલાવર

૨૫%

૩૦%

રાયડાતેલ

૨૫%

૩૦%

ક્રૂડપામતેલ

૩૦%

૩૦%

અન્ય ક્રૂડ તેલ

૧૨.૫%

૩૦%

(રિફાઈન્ડ તેલમાં ૩૫ ટકા ડ્યૂટી, પામોલીનમાં ૪૦ ટકા)

(11:49 am IST)