Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

હકિકતે ખેડૂતોની આવક બમણી થશે ? દોઢ ગણી MSP મળશે ?

ભારતમાં પાક ઉપર આવે છે ત્રણ પ્રકારની પડતરઃ જેટલીએ કરી છે ગોળ-ગોળ વાતઃ સ્પષ્ટતાઓ નથીઃ કોઇ તૈયારી નથીઃ કેવી રીતે આપશે એમએસપી ? : જોગવાઇ વગર કઇ રીતે ખેડુતોની આવક બમણી થશે ? આજે ૧ કિવન્ટલ ઘઉં ૧૪૪ રૂ.ની ખોટથી ખેડુતોને વેચવા પડે તેવી સ્થિતિઃ વિપક્ષ કહે છે કે હકીકત નહિ પરંતુ કાલ્પનિક છે કૃષિ ક્ષેત્રની જાહેરાતો

નવી દિલ્હી તા.ર : નાણામંત્રી અરૂણ જેટલીએ સામાન્ય બજેટમાં ખેડુતોની આવક ર૦રર સુધીમાં બમણી કરવા માટે ખાસ જોગવાઇઓ જાહેર કરી છે. જેમાં તેમણે ખેડુતોને તેમના પાક ઉપર આવતી પડતરના પ૦ ટકા એટલે કે દોઢ ગણી એમએસપી વધારીને આપવાની વાત જણાવી છે. આવો જાણીએ તેનુ શું મહત્વ છે, આ આઇડિયા કયાંથી આવ્યો અને ખેડુતોને વાસ્તવમાં તેનો કેટલો લાભ મળશે.

 

ર૦૦૪માં યુપીએ સરકારે ખેડુતો માટે રાષ્ટ્રીય આયોગ બનાવ્યુ હતુ. જેનુ લક્ષ્યાંક ભારતમાં ખેતી, અનાજનું ઉત્પાદન, દુષ્કાળની સમસ્યાથી નિપટવા માટે સુચન આપવાનુ હતુ. આ આયોગને સ્વામીનાથન કમીશનના નામથી ઓળખવામાં આવતુ હતુ. તેણે રિપોર્ટ ર૦૦૬માં આપ્યો હતો. જેમાં ખેડુતોને પાક પર આવેલી પડતરના પ૦ ટકા એમએસપી આપવા જણાવ્યુ હતુ.

 

આ પંચે પાક પર આવતી પડતરને ૩ ભાગ એ-ર, એ-ર પ્લસ એફએલ અને સી-રમાં વહેચ્યુ હતુ. એ-ર પડતરમાં ખેડુતોને પાક ઉત્પાદનમાં કરવામાં આવેલા તમામ પ્રકારના રોકડ ખર્ચ સામેલ થતા હતા. જેમાં બીજ, ખાતર, કેમીકલ, મજદુરી, ઇંધણ, સિંચાઇ વગેરે સામેલ હતા. એ-ર પ્લસ એફએલ પડતરમાં રોકડ પડતર સાથે જ પરિવારના સભ્યોની મહેનતની અનુમાનીત પડતરને પણ જોડવામાં આવે છે તો સી-ર પડતરમાં પાક ઉત્પાદનમાં આવેલ રોકડ અને બીલ રોકડની સાથે જમીન પર લાગતા લીઝ રેન્જ અને જમીન ઉપરાંત બીજી કૃષિ પુંજી પર લાગતા વ્યાજ પર સામેલ થતા હતા.

નાણામંત્રી જેટલીએ કહ્યુ હતુ કે, ખેડુતોને તેમના પાકના પડતર પર પ૦ ટકા એમએસપી મળશે. જો કે એ સ્પષ્ટ નહોતુ કર્યુ કે આ એમએસપી કયા પ્રકારની પડતર પર મળશે. સ્વામીનાથન કમીશન આવ્યા બાદથી ખેડુતોની પડતરને ત્રણ શ્રેણીઓમાં ગણવામાં આવે છે. ખેડુતોને જો સી-ર પડતર પર પ૦ ટકા એમએસપી મળે તો જ તેમના માટે ફાયદાની વાત થઇ શકે છે. એ-ર પડતરમાં પ૦ ટકા મળવા પર ખેડુતને પડતરનું ઘણુ ઓછુ મુલ્ય મળશે.

એક અનુમાન મુજબ ર૦૧૭-૧૮માં ઘઉંની એ-ર પ્લસ એફએલ પડતર ૮૧૭ રૂ. પ્રતિ કવિન્ટલ આવશે તેમાં પ૦ ટકા પડતર જોડવાથી એમએસપી ૧૩રપ પ્રતિ કવિન્ટલ થઇ જાય છે. ઘઉંની જ સી-ર પડતર ૧રપ૬ રૂ. પ્રતિ કવિન્ટલ બેસે છે તેમાં પ૦ ટકા પડતર જોડવાથી એમએસપી ૧૮૭૯ રૂ. પ્રતિ કવિન્ટલ થઇ જાય છે. હાલ સરકારે ઓકટો.ર૦૧૭માં ઘઉંનું એમએસપી ૧૭૩પ રૂ. પ્રતિ કવિન્ટલ નક્કી કર્યા હતા. આ પ્રકારે ખેડુતને પ્રતિ કવિન્ટલ ઘઉં પર ૧૪૪ રૂ. ઓછા મળશે.

એ પણ યાદ રાખવુ પડશે કે દેશના ફકત છ ટકા ખેડુતોને જ તેમના પાક પર એમએસપી મળી શકે છે. બાકીના ખેડુતોનો પાક વચેટીયાઓ, શાહુકારો અને બીજા દલાલો પાસે જતો હોય છે. જેટલીએ સ્પષ્ટ નથી કર્યુ કે ૯૪ ટકા ખેડુતોને એમએસપી અપાવવા માટે શું વ્યવસ્થા કરાશે ? તેમની ખરીદને સરકારી ખરીદ કેન્દ્રોમાં પહોંચાડવાનું કઇ રીતે સુનિશ્ચિત થશે એ મોટો સવાલ છે.

કૃષિ ક્ષેત્રે ગયા વર્ષની તુલના કરવામાં આવે તો ર૦રર સુધી ખેડુતોની આવક બમણી કરવાનુ વચન પણ સાકાર થતુ નથી દેખાતુ. ગયા વર્ષે કૃષિ માટે ૪૧૮૮૬ કરોડ ફાળવાયા હતા. જે બાદમાં રિવાઇઝ કરી ૪૧૧૦પ કરોડ કરાયા હતા. આ વખતે ફાળવણી વધારીને ૪૬૭૦૦ કરોડ કરવામાં આવેલ છે એટલે કે ફકત ૪૮૪પ કરોડ રૂપિયા વધારી કઇ રીતે ખેડુતોની આવક બમણી કરાશે એ સવાલનો પણ જવાબ નથી.

દરમિયાન વિપક્ષોનુ કહેવુ છે કે હકીકત નહી પરંતુ કલ્પના છે કૃષિ ક્ષેત્રની જાહેરાતો. વિપક્ષનુ કહેવુ છે કે આજે પણ ખેડુતોને વેચાણ માટે બજારમાં ૪ થી પ દિવસ રાહ જોવી પડે છે. એફસીઆઇ અને રાજયના ગોદામો પાકની ખરીદી નથી કરતા.

પી.ચિદમ્બરમે કહ્યુ છે કે કૃષિ આવકમાં સુધારો કેમ નથી થયો. આર્થિક સર્વેનો હવાલો આપતા તેમણે કહ્યુ હતુ કે, ચાર વર્ષથી કૃષિ જીડીપી સ્થિર છે જે દર્શાવે છે કે ખેડુતોની આર્થિક સ્થિતિમાં સુધારો નથી થયો.

યોગેન્દ્ર યાદવે કહ્યુ છે કે, જેટલીએ વચન આપ્યુ છે તેનો ફાયદો નહી મળે. તેમણે કહ્યુ છે કે યુપીએ સરકાર પડતરના ૭૦ ટકા એમએસપી આપતી હતી. ભાજપે ૪૦ થી પ૦ ટકાની વાત કરી છે.

(10:58 am IST)