Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

૪૦ હજારના સ્ટાન્ડર્ડ ડિડકશનથી તમને કેટલો લાભ થશે?

આ નિર્ણયથી ૨.૫ કરોડ પગારદાર અને પેન્શનર્સને લાભ થશે

નવી દિલ્હી તા. ૨ : નાણાં મંત્રી અરુણ જેટલીએ પગરાદાર વર્ગને રાહતના નામે બજેટમાં રૂ. ૪૦,૦૦૦ સ્ટાન્ડર્ડ ડિડકશનની જાહેરાત કરી છે. જયારે બીજીતરફ ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ અને મેડિકલ રીઈમ્બર્સમેન્ટનો લાભા છીનવી લીધો છે. હાલમાં રૂ.૧૫,૦૦૦ સુધીના મેડિકલ બિલ અને રૂ. ૧૯,૨૦૦ સુધી ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ પર ટેકસ છૂટ મળે છે.

મેડિકલ રીઈમ્બર્સમેન્ટ અને ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ પર ટેકસ છૂટ પરત લેવાથી સ્ટાન્ડર્ડ ડિડકશન લાગુ થવા છતા સેલેરાઈડ કલાસને ફકત રૂ. ૫,૮૦૦ની ટેકસ છૂટનો લાભ મળશે. જો કે કોને કેટલો લાભ થશે તે કરદાતા કયા ટેકસ સ્લેબમાં આવે છે તેના પર નિર્ભર રહે છે.  

૫% ટેકસ સ્લેબમાં આવતા કરદાતાને રૂ. ૨૯૦, ૨૦% ટકા સ્લેબમાં રૂ. ૧,૧૬૦ અને ૩૦% સ્લેબમાં આવતા કરદાતાને રૂ. ૧,૭૪૦નો ફાયદો થશે. જો કે વાર્ષિક પાંચ લાખની આવક ધરાવાતા લોકોને બાદ કરતા મોટાભાગના કેસમાં આ લાભ પણ નહીં મળે. જેનું કારણ છે ઈન્કમ ટેકસ પરની સેસ ૩%થી વધારીને ૪% કરાઈ તે છે. સ્ટાન્ડર્ડ ડિડકશનથી જે લાભ મળશે તે ઈન્કમ ટેકસ સેસમાં વધારાને લીધે ઘટી જશે અથવા વધુ ટેકસ જવાબદારીના કેસમાં નુકસાન પણ થઈ શકે છે.

જેટલીએ બજેટ સ્પીચમાં જણાવ્યું કે, 'પગારદાર કરદાતાને રાહત આપવા માટે ટ્રાન્સ્પોર્ટ એલાઉન્સ અને મેડિકલ ખર્ચ રીઈમ્બર્સમેન્ટને બદલે રૂ. ૪૦,૦૦૦ સુધીના સ્ટાન્ડર્ડ ડિડકશનની મંજૂરી આપવાનો પ્રસ્તાવ કરું છું. જો કે દિવ્યાંગો માટે ટ્રાન્સપોર્ટ એલાઉન્સ વધેલા દરથી લાગુ પડશે. જો કે હોસ્પિટલાઈઝેશન સહિત અન્ય મુદ્દે તમામ કર્મચારીઓને મેડિકલ રીઈમ્બર્સમેન્ટ લાભ ચાલુ રહેશે.'  

નામાં મંત્રીએ વધુમાં જણાવ્યું કે, આ નિર્ણયથી પેપર વર્ક તેમજ નિયમ-કાયદાની કડાકૂટ ઓછી થશે તેમજ પગારદાર એવા મધ્યમ વર્ગ માટે ટેકસની જવાબદારીમાં પણ ઘટાડો થશે. સ્ટાન્ડર્ડ ડિડકશનના નિર્ણયલનો લાભ પેન્શનર્સને પણ મળશે જેમને ટ્રાન્સ્પોર્ટ અને મેડિકલ ખર્ચ પર કોઈ ભથ્થા મળતા નથી. આ નિર્ણયથી સરકારી તિજોરી પર ૮,૦૦૦ કરોડનો બોજ પડશે. સ્ટાન્ડર્ડ ડિડકશનની જાહેરાતથી કુલ ૨.૫ કરોડ પગારદાર અને પેન્શનર્સને લાભ મળી શકશે.

શું હોય છે સ્ટાન્ડર્ડ ડિડકશન?

સ્ટાન્ડર્ડ ડિડકશન એ લમ્પસમ રકમ હોય છે જેને કુલ પગારમાંથી થયેલી કમાણીમાંથી બાદ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ જ ટેકસેબલ ઈન્કમની ગણતરી કરવામાં આવે છે. સ્ટાન્ડર્ડ ડિડકશનની વાપસીથી પગારદારવર્ગ સલાહકારો, સેલ્ફ એમ્પ્લોયડ અને ફ્રિ લાન્સર્સની સમકક્ષ આવી જશે જેમને કમાણીમાંથી કરેલા ખર્ચ પર ટેકસ ડિડકશનની છૂટ મળી રહી છે.(૨૧.૭)

(11:10 am IST)