Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

રાહુલ ગાંધીને કટાક્ષ- 'સારૂં છે હવે એક જ વર્ષ બચ્યું છે'

ચાર વર્ષ થયા, હજુ લોભામણા વચનો જ આપે છે

નવી દિલ્હી તા. ૨ : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના બજેટ પર કોઈ ટિપ્પણી કરવાનું તો ટાળી લીધું હતું, પણ તેમણે ટ્વીટર પર કેન્દ્રિય બજેટ પર કટાક્ષ કર્યો છે. તેમણે લખ્યું છે કે, ચાર વર્ષો સુધી સત્તા સંભાળ્યા બાદ પણ મોદી સરકાર હજુ પણ ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું વચન આપી રહી છે. તેમણે કટાક્ષ કર્યો કે, ચાર વર્ષ પસાર થઈ ગયા છે, સારું છે હવે એક જ વર્ષ બચ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, હાસ્યાસ્પદ તો એ છે કે, સરકાર ફંડ વિના જ લોભામણા વચનો આપી રહી છે. તેમણે સોશયલ મીડિયા પર ટ્વીટ કર્યું, 'ચાર વર્ષ પસાર થઈ ગયા, તે હજુ પણ ખેડૂતોને યોગ્ય ભાવ આપવાનું વચન આપી રહ્યા છે. ચાર વર્ષ પસાર થઈ ગયા, લોભામણા વચનો આપી રહ્યા છે, જેના માટે ધન જ ઉપલબ્ધ જ નથી. ચાર વર્ષ પસાર થઈ ગયા, યુવાનોને રોજગાર તો મળી નથી રહ્યો. સારું છે, હવે માત્ર એક જ વર્ષ બચ્યું છે.'

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદી સરકારના છેલ્લું પૂર્ણ બજેટ ગુરુવારે (૧લી ફેબ્રુઆરી)એ નાણાંમંત્રી અરૂણ જેટલીએ લોકસભામાં રજૂ કર્યું. તેમના બજેટ ભાષણથી દેશના મિડલ કલાસને ઘણી આશાઓ હતી, પરંતુ જેટલીએ તેમને નિરાશ કરી દીધા. જેટલીએ બજેટમાં ઈનકમ ટેકસ સ્લેબમાં કોઈ ફેરફાર ન કર્યો, જેની મધ્મમવર્ગ આશા રાખી રહ્યો હતો. જેટલીએ નોકરીયાત લોકોને ઈનકમ ટેકસમાં કોઈ રાહત તો ના આપી, પણ ૪૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન આપી તેમને રાહના નામ પર કહેવા પૂરતી ખુશી આપવાનો પ્રયાસ કર્યો છે. જોકે, નાણાંમંત્રીએ આવકવેરા લાગતા ઉપકરને ત્રણ ટકાથી વધીને ચાર ટકા કરી દીધો છે.

મોદી સરકારના બજેટથી વિપક્ષી દળો સહિત એનડીએના ઘટક પક્ષો પણ નારાજ છે. આંધ્રપ્રદેશની સત્તારૂઢ અને મોદી સરકારમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટીએ બજેટની ટીકા કરી છે. કેન્દ્રમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સ્ટેટ મિનિસ્ટર વાય એસ ચૌધરીએ કહ્યું કે, સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ માટે કંઈ નથી આપ્યું. તેમણે કહ્યું કે, આ બજેટથી આ નાખુશ છે. શિવસેના પહેલા જ બજેટની ટીકા કરી ચૂકી છે. તેલુગુ દેશમ પાર્ટીના ચીફ ચંદ્રબાબુ નાયડુએ આ અંગે માત્ર એટલું જ કહ્યું કે, ત્યારે જ કંઈક કહેશે જયારે ભાજપ તેમની સાથે ગઠબંધન નહીં રાખવા માગે.(૨૧.૬)

(12:44 pm IST)