Gujarati News

Gujarati News

News of Friday, 2nd February 2018

૨૦૨ર સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનુ અસંભવઃ મનમોહન

પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે જેટલીના દાવાને નકારી કાઢયોઃ કૃષિ ક્ષેત્રે ગ્રોથ ૧ર ટકા થાય તો જ ખેડુતોની આવક બમણી થઇ શકેઃ બજેટ ચૂંટણીનો ફાયદો મેળવવા માટે જ રજુ કરાયુ છેઃ નાણાકીય અંકગણિતમાં ગડબડ દેખાય છે

નવી દિલ્હી તા.ર : પુર્વ વડાપ્રધાન મનમોહનસિંહે ગઇકાલે રજુ થયેલા બજેટમાં ખેડુતોની આવક બમણી કરવાને લઇને થયેલા દાવાઓને નકારી કાઢયા છે. વિશ્વ પ્રસિધ્ધ આ અર્થશાસ્ત્રીએ કહ્યુ છે કે એ સંભવ નથી કે ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવામાં આવે.

નાણામંત્રી અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યુ હતુ કે, વર્ષ-ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાને લઇને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે પરંતુ મનમોહન સિંહે જેટલીના દાવા અંગે અસહમતી વ્યકત કરી હતી. પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનુ ત્યાં સુધી સંભવ નથી જયાં સુધી કૃષિ ક્ષેત્રનો વૃધ્ધિ દર ૧ર ટકા સુધી પહોંચી ન જાય. જયાં સુધી આપણે તે પ્રાપ્ત કરી ન લઇએ ત્યાં સુધી આ ઝુમલા જ છે.

નવી દિલ્હીમાં વિપક્ષની બેઠક બાદ કોંગી નેતા ગુલામનબી આઝાદે મનમોહન સિંહનુ નિવેદન પબ્લીક સામે રાખ્યુ હતુ. તેમણે એવુ પણ જણાવ્યુ હતુ કે, રાજકોષીય ખાધમાં વૃધ્ધિ થઇ છે. આ પહેલા તેમણે કહ્યુ હતુ કે એ જોવાનુ રહેશે કે સરકાર પોતાના વાયદાઓને કઇ રીતે પુરા કરશે. આ બજેટ ચૂંટણીમાં ફાયદો લેવાના હેતુથી રજુ કરવામાં આવ્યુ છે પરંતુ મને એ બાબતની ચિંતા છે કે નાણાકીય અંકગણિતમાં ગડબડ છે.

જયારે પુર્વ વડાપ્રધાનને એવુ પુછાયુ કે જયારે શું બજેટ રીફોર્મના એજન્ડાને આગળ વધારતુ દેખાઇ છે ? તો તેમણે કહ્યુ હતુ કે આ શબ્દનો અનેક વખત ઉપયોગ અને દુરૂપયોગ થયો છે.

(10:59 am IST)