Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

શેરબજારમાં સતત ઉછાળાને કારણે સોનું થયું સસ્તું : ચાંદીના ભાવમાં 515 રૂપિયાનો ઘટાડો

શેરબજારમાં સતત ખરીદીના કારણે રૂપિયો મજબૂત બનતા સોના પર દબાણ વધ્યું

નવી દિલ્હી :  સ્થાનિક શેરબજારમાં સતત ઉછાળાને કારણે સોના અને ચાંદીની કિંમતમાં  ઘટાડો જોવા મળી રહ્યો છે. બુધવારે ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન ચાંદી 515 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ. નિષ્ણાતોના મતે વિદેશી રોકાણકારો દ્વારા શેરબજારમાં સતત ખરીદીના કારણે રૂપિયો મજબૂત છે. તેના કારણે સોના પર દબાણ વધી રહ્યું છે.

આગામી દિવસોમાં વધારે ઘટાડો જોવા મળી શકે છે. તેથી, સામાન્ય નાગરીકો માટે પણ તહેવારોની સિઝનમાં સસ્તું સોનું ખરીદવાની તક ઉભી થશે.

બુધવારે દેશની રાજધાની દિલ્હીના બુલિયનમાં 99.9 ટકા સોનાના ભાવ 6 રૂપિયા ઘટીને 46,123 રૂપિયા રહ્યા હતા. અગાઉના દિવસે, મંગળવારે સોનાના ભાવ ઘટીને 46,129 પર બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સોનાના ભાવ થોડા ફેરફાર સાથે 1811 ડોલર પ્રતિ આઉંસ રહ્યા હતા.

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હી બુલિયન માર્કેટમાં ચાંદીનો ભાવ 515 રૂપિયા ઘટીને 61,821 રૂપિયા પ્રતિ કિલો થયો છે. આ પહેલા ગત ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ 62,336 રૂપિયા પ્રતિ કિલોએ બંધ થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ભાવ 23.82 ડોલર પ્રતિ આઉંસ હતો.

એચડીએફસી સિક્યોરિટીઝ કોમોડિટી એનાલિસ્ટ તપન પટેલ કહે છે કે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવ ઘટ્યા છે. આ સિવાય રૂપિયાની મજબૂતાઈ પણ સોના પર દબાણ લાવી રહી છે.

(10:30 pm IST)