Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

રાહુલ ગાંધીએ કહ્યું સરકારએ 23 લાખ કરોડ GDP એટલે કે ગેસ-ડીઝલ - પેટ્રોલમાંથી કમાણી કરી : રૂપિયા ગયા કયાં ?

2014માં UPA સરકારે સત્તા છોડી હતી ત્યારે સિલિન્ડરનો ભાવ 410 રૂપિયા હતો :116 ટકા ભાવ વધી ગયો છે. પેટ્રોલનો ભાવ વર્ષ 2014 પછી 42 ટકા અને ડીઝલનો ભાવ 55 ટકા વધ્યો

નવી દિલ્હી :  કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન ( NMP)ની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસ સતત સરકાર પર હુમલો કરી રહી છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે પણ આ યોજનાને લઇને સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલે કહ્યું કે આ યોજના હેઠળ નરેન્દ્ર મોદીના 4-5 મિત્રો નું જ મોનેટાઇઝેશન થઇ રહ્યું છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ પહેલાં કહ્યું હતું કે હું ડીમોનેટાઇઝેશન કરી રહ્યો છુ અને નાણાં મંત્રી કહી રહ્યા છે કે હું મોનેટાઇઝેશન કરી રહી છુ. ગાંધીએ કહ્યું કે ખેડુતો, શ્રમિકો, નાના દુકાનદારો, MSME, નોકરિયાત વર્ગ અને પ્રમાણિક ઉદ્યોગપતિઓનું ડીમોનેટાઇઝેશન થઇ રહ્યું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધતી મોંઘવારીને લઇને પણ સરકારનો ઘેરાવો કર્યો હતો. તેમણે કહ્યું કે જયારે વર્ષ 2014માં UPA સરકારે સત્તા છોડી હતી ત્યારે સિલિન્ડરનો ભાવ 410 રૂપિયા હતો આજે 7 વર્ષ પછી સિલન્ડરનો ભાવ 885 રૂપિયા પર પહોંચી ગયો છે. મતલબ કે 116 ટકા ભાવ વધી ગયો છે. પેટ્રોલનો ભાવ વર્ષ 2014 પછી 42 ટકા અને ડીઝલનો ભાવ 55 ટકા વધ્યો છે.

રાહુલે કહ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલના ભાવોમાં સતત ઘટવા છતા મોદી સરકાર પેટ્રોલિયમ પ્રોડ્ટકસના ભાવો વધારી રહી છે. ગાંધીએ NMP પ્રોગ્રામનો ઉલ્લેખ કરીને સરકાર પર મૂલ્યવાન સંપત્તિઓને વેચવાનો પણ આરોપ લગાવ્યો. રાહુલે કહ્યું કે અમારી સરકારના સમયે ક્રુડ ઓઇલના ભાવ અત્યારની સરખામણીએ 32 ટકા વધારે હતા અને ગેસના ભાવ 26 ટકા વધારે હતા. હવે આંતરારાષ્ટ્રીય બજારમાં ગેસ, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી રહ્યા છે અને હિંદુસ્તાનમાં વધી રહ્યા છે.

 

રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર ભડકીને GDPની પરિભાષા અલગથી કરી હતી. તેમણે GDPને ગેસ-ડીઝલ-પેટ્રોલની સાથે જોડી દીધું હતું. રાહુલે કહ્યું કે સરકારS 23 લાખ કરોડ રૂપિયા GDP એટલે કે ગેસ-ડીઝલ- પેટ્રોલમાંથી કમાણી કરી છે. આ 23 લાખ કરોડ રૂપિયા ગયા કયાં?

રાહુલે કહ્યું કે નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી ગભરાટમાં છે. તેમને સમજ નથી પડતી કરવાનું શું છે? સરકારના ગભરાટને જોઇને ચીન પણ પોતાની યોજના બનાવી રહ્યું છે કે હિંદુસ્તાનનું નેતૃત્વ અને અર્થ તંત્ર સંકટમાં છે તો જે કાઢી શકાય તે કાઢી લો.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ગયા સપ્તાહમાં નેશનલ મોનેટાઇઝેશન પાઇપ લાઇન (NMP) પ્રોગ્રામની જાહેરાત કરી હતી. જે હેઠળ સરકાર રેલવે, વિજળીથી માંડીને રસ્તા જેવા અલગ-અલગ ઇન્ફ્રાસ્ટ્રકચર એસ્સેટ વેચીને રૂપિયા ભેગા કરવાની તૈયારી કરી રહી છે. NMP યોજના હેઠળ સરકાર 4 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ વેચી દેશે.નાણા મંત્રીએ કહ્યું હતું કે આ યોજના હેઠળ જમીનનું વેચાણ સામેલ નથી. આ હાલની સંપત્તિઓના વેચાણ સાથે જોડાયેલો પ્રોગ્રામ છે.

(10:18 pm IST)