Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

તાલિબાનોનું સમર્થન કરનારા ઉપર નશરૂદ્દીન શાહના પ્રહાર

અફઘાન પર તાલિબાનના કબજા બાદ વિશ્વમાં ચર્ચા : હિંદુસ્તાની ઈસ્લામ અલગ હોવાનો દાવો કરી અભિનેતાએ તાલિબાનોના વિજયની ઉજવણી કરનારા પર કટાક્ષ કર્યો

મુંબઈ, તા.૧ : અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદથી જ ભારતમાં પણ આ મુદ્દાને લઈને સતત ચર્ચા થઈ રહી છે. એક વિભાગ સામાન્ય અફઘાનીઓના માનવાધિકારોને લઈને અવાજ ઉઠાવી રહ્યો છે તો કેટલાક એવા પણ લોકો છે જે તાલિબાનીઓને લઈને સમર્થન પણ કરી રહ્યા છે. આ દરમિયાન દિગ્ગજ ફિલ્મ અભિનેતા નસીરુદ્દીન શાહે તાલિબાનનુ સમર્થન કરનારા લોકો પર આકરી ટીકા કરી છે. નસીરુદ્દીન શાહે કહ્યુ કે હિન્દુસ્તાનનો ઈસ્લામ અલગ છે.

આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપતા નસીરુદ્દીન શાહે કહ્યું કે વિશ્વના ઘણા ભાગોમાં ઇસ્લામિક પ્રથાઓ અને રિવાજો ભારતના રિવાજોથી ઘણા અલગ છે. તાલિબાનની જીતની ઉજવણી કરનારાઓ પર કટાક્ષ કરતા નસીરુદ્દીન શાહે કહ્યું કે હિન્દુસ્તાની ઇસ્લામ તદ્દન અલગ છે. ઉર્દૂમાં નોંધાયેલ એક ક્લિપ સામે આવી છે જેમાં તે તાલિબાનને આવકારનારાઓની નિંદા કરતા સાંભળવા મળે છે.

તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે. આ બર્બર માટે કેટલાક ભારતીય મુસ્લિમોની ઉજવણી તે ચિંતાનો વિષય છે અને ખૂબ જ ખતરનાક છે. દરેક મુસ્લિમે પોતાની જાતને પૂછવું જોઈએ કે શું તે ઈસ્લામનું આધુનિક સ્વરૂપ ઈચ્છે છે. તેમને આધુનિકતા જોઈએ કે પછી કેટલીક સદીઓ જૂના બર્બર રીતિ રિવાજ.

બીજી બાજુ, નસીરુદ્દીન શાહે કહ્યું કે ભારતીય ઇસ્લામ હંમેશા બાકીના વિશ્વના ઇસ્લામથી અલગ રહ્યો છે. પોતાની વાત પૂરી કરતા નસીરુદ્દીને કહ્યું હું પ્રાર્થના કરું છું કે હિન્દુસ્તાની ઇસ્લામ ક્યારેય એવી રીતે ન બદલાય કે આપણે તેને ઓળખી પણ ન શકીએ.

(7:41 pm IST)