Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

કાશ્મીર અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, હસ્તક્ષેપ નહીં કરીએઃ હક્કાની

તાલિબાનોનું આશ્ચર્યજનક નિવેદન : અમે બીજા દેશના મામલામાં દખલ કરતા નથી, આશા રાખીએ છે કે, બીજા દેશ અમારા મામલામાં દખલ નહીં કરે

કાબૂલ, તા.૧ : અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સંપૂર્ણ વાપસીના પગલે ચાલી રહેલી ઉજવણી વચ્ચે શાસક તાલિબાનના નેતાઓએ કાશમીર મુદ્દે આશ્ચર્યજનક નિવેદન આપ્યુ છે.

એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા તાલિબનના નેતા અનસ હક્કાનીએ કહ્યુ હતુ કે, કાશ્મીર અમારા અધિકાર ક્ષેત્રમાં આવતુ નથી અને અમે હસ્તક્ષેપ કરવા માંગતા નથી. અમારી નીતિ પ્રમાણે અમે બીજા દેશના મામલામાં દખલ કરતા નથી અને એવી આશા રાખીએ છે કે, બીજા દેશ પણ અમારા મામલામાં દખલ  નહીં કરે. અમે ઈચ્છીએ છે કે, તમામ વિવાદોનો ઉકેલ શાંતિપૂર્વક આવે.અમારા દરવાજા તમામ માટે ખુલ્લા છે. અમે બાકી દુનિયા સાથે સારા સબંધ રાખવા ઈચ્છુક છે.

હક્કાનીએ આગળ કહ્યુ હતુ કે, ભારત સાથે અમે સારા સબંધ રાખવા માંગીએ છે. અમે નથી ઈચ્છતા કે કોઈ અમારા માટે ખોટુ વિચારે. ભારતે અમારા દુશ્મનને વીસ વર્ષ મદદ કરી છે પણ અમે બધુ ભુલીને સબંધો આગળ વધારવા માટે તૈયાર છે. ભારતમાં અમારા અંગે મીડિયા નકારાત્મક પ્રચાર કરી રહ્યુ છે પણ આ બધુ ખોટુ થઈ રહ્યુ છે. તેનાથી માહોલ ખરાબ થઈ રહ્યો છે.

તેમણે કહ્યુ હતુ કે, હું કહેવા માંગુ છું કે, અફઘાનિસ્તાનમાં હિન્દુ, શીખ સહિતના બધા સુરક્ષિત છે અને લોકો ખુશ છે. હિન્દુ અને શીખ પણ અન્ય સમુદાયના લોકોની જેમ અફઘાનિસ્તાનમાં શાંતિથી રહેશે.

(7:40 pm IST)