Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

મથુરાના ગામમાં વાયરલ ફિવરથી ૧૦ લોકોના મોત

ઉત્તર પ્રદેશમાં વાયરલ ફિવરનો ભારે કહેર : કોહ ગામના એક ૧૪ વર્ષના બાળકનું વાયરલ ફિવરથી મોત, ગામમાં ચાર બેડની કામચલાઉ હોસ્પિટલ બનાવાશે

લખનૌ, તા.૧ : અત્યાર સુધી ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં વાયરલ ફીવરનો કહેર દેખાઈ રહ્યો હતો પરંતુ હવે તે મથુરામાં પણ પહોંચી ગયો છે. જાણવા મળ્યા મુજબ મથુરાના એક ગામમાં વાયરલ ફીવરના કારણે અત્યાર સુધીમાં ૧૦ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

મથુરાના કોહ ગામના પ્રધાને તાવના કારણે ૧૦ લોકોના મૃત્યુ થયા હોવાની પૃષ્ટિ કરી છે. મંગળવારે આગ્રાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોહ ગામના એક બાળકે દમ તોડી દીધો હતો અન તે સાથે જ મૃતકઆંક વધીને ૧૦ થઈ ગયો હતો. ગામના પ્રધાને જણાવ્યું કે, મંગળવારે ભૂરાના ૧૪ વર્ષના દીકરાએ આગ્રા ખાતે દમ તોડી દીધો હતો.

૧૪ વર્ષીય છોકરાના મૃત્યુની પૃષ્ટિ કરતા સીએમઓ રચના ગુપ્તાએ જણાવ્યું કે, સૌરભ ૨૦ ઓગષ્ટના રોજ પોતાના સંબંધીના ઘરે બરસાના ગયો હતો અને ત્યાં તબિયત બગડ્યા બાદ તેને આગ્રાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૩૧ ઓગષ્ટના રોજ હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું.

કોહ ગામમાં વાયરલ ફીવરનો કહેર વધ્યા બાદ પ્રશાસને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અધિકારીઓએ જણાવ્યું કે, કોહ ગામમાં ઓપીડી સુવિધાઓ સાથે ૪ બેડની એક કામચલાઉ હોસ્પિટલ બનાવવામાં આવશે. સીએમઓ રચના ગુપ્તા બુધવારે ગામની મુલાકાત લઈને પરિસ્થિતિનો તકાજો પણ મેળવશે.

(7:37 pm IST)