Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સિંગર કેકેના પાર્થિવ દેહને કોલકાતાથી મુંબઈ લવાયો : કાલે સવારે વર્સોવા સ્મશાન ગૃહમાં થશે અંતિમ સંસ્કાર

કેકેની અંતિમ યાત્રામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ કલાકારો હાજરી આપશે

મુંબઈ :પ્રખ્યાત ગાયક કેકેના પાર્થિવ દેહને ‘એર ઈન્ડિયા’ની ફ્લાઈટ દ્વારા કોલકાતાથી મુંબઈ  લાવવામાં આવ્યો છે. કેકેનો પરિવાર તેમનો મૃતદેહ લેવા કોલકાતા પહોંચી ગયો હતો. તેમના મૃતદેહ સાથેની એમ્બ્યુલન્સ તેમના અંધેરી વર્સોવા ઘરે પહોંચી જશે. વર્સોવામાં કેકેના ‘પાર્ક પ્લાઝા’ સંકુલના હોલમાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે. આ પ્રખ્યાત ગાયકને ગુરુવારે સવારે અંતિમ વિદાય આપવામાં આવશે. તેમના અંતિમ સંસ્કાર વર્સોવા સ્મશાન ગૃહમાં સવારે 9 વાગ્યા પછી કરવામાં આવશે. કેકેની અંતિમ યાત્રામાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘણા દિગ્ગજ કલાકારો હાજરી આપી શકે છે.

ગાયક કેકેનું ગઈકાલે રાત્રે કોલકાતામાં નિધન થયું હતું. હાર્ટ એટેક બાદ કેકેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ત્યાંના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. સિંગર કેકેના નિધન બાદ તેમનો પરિવાર આજે સવારે કોલકાતા પહોંચી ગયો હતો. પરિવારના કેટલાક નજીકના સભ્યો પણ તેમની પત્ની જ્યોતિ, તેમના પુત્ર અને પુત્રીની સંભાળ લેવા કોલકાતા પહોંચ્યા હતા. કેકેનો પરિવાર કોલકાતા પહોંચ્યા પછી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી અને સિંગરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. પોસ્ટમોર્ટમ બાદ કેકેના મૃતદેહને સરકારી સન્માન સાથે મુંબઈ મોકલવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ પછી કેકેના પાર્થિવને હોસ્પિટલમાંથી કોલકાતાના પ્રખ્યાત રવિન્દ્ર સદનમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં કોલકાતાના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેશના આ પ્રખ્યાત ગાયકને બંદૂકની સલામી આપી હતી. મમતા બેનર્જીએ આ સરકારી સન્માન સાથે સલામી આપ્યા બાદ, કેકેનો પરિવાર હવે એર ઈન્ડિયાની AI 773 ફ્લાઈટ દ્વારા તેમના પાર્થિવ દેહને મુંબઈ લાવ્યો છે.

સિંગર કેકેનું મૃત્યુ દરેક માટે એક મોટો આઘાત હતો. 31 મેના રોજ કોલકાતા પહોંચેલા કેકે અને તેની ટીમને કદાચ ખ્યાલ પણ નહીં હોય કે કેકેના જીવનનો આ છેલ્લો કોન્સર્ટ હશે. કેકેએ આ કોન્સર્ટમાં લગભગ 20 ગીતો ગાયા હતા. આ ગીતોમાંથી “પલ” ગીત તેમણે ગાયેલું છેલ્લું ગીત સાબિત થયું. તેમના નિધનના સમાચારથી માત્ર તેમના ચાહકો જ નહીં, પરંતુ દરેક જણ સ્તબ્ધ છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેકે પોતાના સ્વાસ્થ્ય અને ફિટનેસનું ખૂબ ધ્યાન રાખતા હતા. ગાયક રાહુલ વૈદ્ય અને ગીતકાર પ્રિતમે આ વિશે વાત કરી છે. આ સમાચારથી બંને પણ ખૂબ હેરાન હતા.

(12:38 am IST)