Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

શોપિયાંમાં આતંકવાદીઓએ સામાન્ય નાગરિકને કર્યા ટાર્ગેટ: વધતો ફફડાટ

શોપિયાં જિલ્લાના કીગામ વિસ્તારમાં રાત્રે 8.45 વાગ્યે આતંકવાદીઓએ એક નાગરિકને નિશાન બનાવી તેની પર ગોળી ચલાવી: કીગામના ગુલામ નબી શેખના પુત્ર ફારૂક અહેમદ શેખને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો

દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કીગામ વિસ્તારમાં બુધવારે રાત્રે લગભગ 8.45 વાગ્યે આતંકવાદીઓએ એક નાગરિકને નિશાન બનાવી તેની પર ગોળી ચલાવવામાં આવી હતી. ગોળી લાગવાથી નાગરિક ઘાયલ થયો હતો જેને તાકીદે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘાયલની ઓળખ ગુલામ નબી શેખના પુત્ર ફારૂક અહેમદ શેખ તરીકે થઈ છે.

એક અધિકારીએ જણાવ્યું કે કીગામના ગુલામ નબી શેખના પુત્ર ફારૂક અહેમદ શેખને આતંકવાદીઓએ નિશાન બનાવ્યો હતો. ફારૂકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હુમલા બાદ તરત જ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો.

કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગને લઈને ચાલી રહેલા રોષ વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. વડા પ્રધાનના પેકેજ હેઠળ, સરકારે ઘાટીમાં તૈનાત કાશ્મીરી હિન્દુ અને લઘુમતી સમુદાયના તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળોએ તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. કર્મચારીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની પ્રક્રિયા 6 જૂન સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સાથે જ કર્મચારીઓની સમસ્યાઓના ઝડપી નિરાકરણ માટે ખાસ ફરિયાદ સેલની સ્થાપના કરવામાં આવશે.

ઈ-મેલ દ્વારા સેલમાં ફરિયાદો નોંધાવી શકાય છે. જે અધિકારીઓ સમયસર સમસ્યાનું નિરાકરણ નહીં લાવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ બુધવારે વહીવટીતંત્ર અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ આદેશો આપ્યા છે.

(12:14 am IST)