Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

મહારાષ્ટ્રમાં સ્કૂલ બસમાં GPRS લગાવવું તેમજ બસ ડ્રાઈવર અને હેલ્પરનું પોલીસ વેરીફીકેશન ફરજીયાત

અધિક પોલીસ મહાનિર્દેશકે શાળાના બાળકોની સુરક્ષા માટે રાજ્યમાં સ્કૂલ બસના નિયમોને તાત્કાલિક અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો

મુંબઈ :મહારાષ્ટ્રમાં અધિક પોલીસ મહાનિર્દેશકે વાહનવ્યવહાર વિભાગને શાળાના બાળકોની સુરક્ષા માટે રાજ્યમાં સ્કૂલ બસના નિયમોને તાત્કાલિક અમલમાં મૂકવાનો નિર્દેશ આપ્યો છે. જેના કારણે સ્કૂલ બસના માલિકોએ બસોમાં GPRS લગાવવું ફરજિયાત રહેશે. તેમજ બસ ડ્રાઈવર અને હેલ્પરનું પોલીસ વેરીફીકેશન ફરજીયાત રહેશે. મહારાષ્ટ્ર નવનિર્માણ વિદ્યાર્થી સેના (MNVSE)ના વિનંતી પત્ર બાદ સ્કૂલ બસના નિયમો કડક બનાવવા સૂચના આપવામાં આવી હતી. આ પછી જ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલમાં મુંબઈમાં જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં શાળાની બસ વિદ્યાર્થીઓને લઈને શાળાએથી નીકળી તો ગઈ હતી. પરંતુ વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં મોડી પડી હતી અને વાલીઓ ખુબ ચિંતાતુર થઈ ગયા છે. આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યા બાદ બાળકોની સુરક્ષા માટે તાત્કાલિક અસરથી નિયમો લાગુ કરવામા આવ્યા.

 

મુંબઈની પોદાર સ્કૂલમાં બસ મોડી આવવાને કારણે વિદ્યાર્થીઓ સમયસર ઘરે પહોંચી શક્યા ન હતા અને વાલીઓને માનસિક યાતનાનો સામનો કરવો પડ્યો હતો. આ સંદર્ભે મનવિસેએ શાળા શિક્ષણ વિભાગ અને પોલીસને પત્ર લખીને આ અંગે નિયમો કડક બનાવવાની માંગણી કરી હતી. પખવાડિયામાં નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ રહ્યું છે. રાજ્યની તમામ શાળાઓમાં ચાલતી બસ સેવામાં અનેક ખામીઓ છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે કે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને. મુંબઈની પોદાર સ્કૂલના વિદ્યાર્થીઓ સ્કૂલ છોડ્યાના પાંચ કલાક પછી પણ ઘરે પહોંચ્યા ન હતા, જેના કારણે વાલીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ સાંતાક્રુઝની પોદાર સ્કૂલની બસ હતી. શાળા છૂટ્યા બાદ બસ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગઈ. પરંતુ પાંચ કલાક બાદ પણ વિદ્યાર્થીઓ ઘરે પહોંચ્યા ન હતા. આ સાથે બસનું ચોક્કસ લોકેશન જાણી શકાયું નથી.

વાલીઓએ સ્કૂલ બસના ડ્રાઈવરને ફોન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ બસના ડ્રાઈવર અને સ્ટાફે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. વ્યથિત વાલીઓ શાળાએ દોડી આવ્યા હતા. આ સાથે જ પોલીસ પ્રશાસન, MNVSના અધિકારીઓ પોદાર સ્કૂલ પહોંચ્યા અને આ સ્થળે પૂછપરછ કરી. શાળા પ્રશાસને તેમને જણાવ્યું કે નવા ડ્રાઈવરો અને ટ્રાફિક જામના કારણે વિદ્યાર્થીઓ ઘરે મોડા પહોંચ્યા હતા. નાયબ શિક્ષણ નિયામકે પોદાર શાળાને વિદ્યાર્થીઓના વાલીઓને થતી બેદરકારી અને માનસિક તકલીફ માટે દોષિતો સામે તાત્કાલિક પગલાં લેવાનો આદેશ આપ્યો હતો.

(10:10 pm IST)