Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય :માત્ર એક રૂપિયામાં 10 સેનેટરી નેપકીન આપશે :15મી ઓગસ્ટથી અમલ

ગ્રામીણ વિસ્તારની 60 લાખથી વધુ મહિલાઓને આનો લાભ મળશે:આ યોજના પાછળ વાર્ષિક 200 કરોડનો ખર્ચ થશે

મુંબઈ :મહારાષ્ટ્ર સરકારે ગરીબ મહિલાઓને ખૂબ જ સસ્તા ભાવે સેનેટરી નેપકિન આપવા માટે એક નવી યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત ગરીબી રેખા નીચે કેટેગરીની મહિલાઓને માત્ર 1 રૂપિયામાં 10 સેનેટરી નેપકીન આપવામાં આવશે. આ સિવાય સ્વ-સહાય જૂથની મહિલાઓને પણ આ નેપકિન્સ સસ્તા દરે મળશે. રાજ્યના ગ્રામીણ વિકાસ વિભાગના મંત્રી હસન મુશરિફે જણાવ્યું કે આ માટે દરેક ગામમાં નેપકિન ડિસ્પોઝલ મશીન લગાવવામાં આવશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારનો આ આદેશ 15 ઓગસ્ટથી અમલમાં આવશે. સરકારનો દાવો છે કે ગ્રામીણ વિસ્તારની 60 લાખથી વધુ મહિલાઓને આનો લાભ મળશે. આ યોજનાને લાગુ કરવા માટે વાર્ષિક 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે મહિલાઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હસન મુશરિફે કહ્યું કે મહારાષ્ટ્રમાં માત્ર 66 ટકા મહિલાઓ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરે છે. ગ્રામીણ વિસ્તારોમાં સ્થિતિ વધુ ખરાબ છે. ત્યાં માત્ર 17 ટકા મહિલાઓને નેપકિન્સ મળે છે. આખા દેશની વાત કરીએ તો 32 કરોડ મહિલાઓમાંથી માત્ર 12 કરોડ મહિલાઓ નેપકિનનો ઉપયોગ કરે છે. પીરિયડ દરમિયાન સ્વચ્છતાના અભાવે મહિલાઓમાં અનેક પ્રકારની બીમારીઓ ઉદ્દભવે છે, જેમાંથી કેટલીક જીવલેણ પણ હોઈ શકે છે. મુશરિફે જણાવ્યું કે દુનિયામાં આ બીમારીઓને કારણે 8 લાખ મહિલાઓના મોત થાય છે. મહિલાઓના મોતનું આ 5મું મોટું કારણ છે.

ડૉક્ટરોનું કહેવું છે કે માતાઓને તણાવ, ચિંતા, સ્થૂળતા, ડિપ્રેશન, મુત્રમાર્ગનું સંક્રમણ (યુટીઆઈ), અનિંદ્રા, એસિડ રિફ્લક્સ, ખભાનો દુખાવો, પીઠના નીચેના ભાગમાં દુખાવો અને ડાયાબિટીસ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મુશરીફે જણાવ્યું હતું કે મહિલાઓમાં સેનિટરી નેપકીનના ઉપયોગની જાગૃતિનો અભાવ અને ઓછી સંખ્યાને જોતા રાજ્ય સરકારે મહિલાઓને લગભગ મફતમાં સેનેટરી નેપકીન આપવા માટેની યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણયથી BPL કેટેગરીની ગ્રામીણ મહિલાઓને ઘણી મદદ મળશે. હાલમાં 19 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને 6 રૂપિયામાં સેનેટરી નેપકીનના છ પેકેટ મળે છે. પરંતુ હવે BPL કેટેગરીની તમામ મહિલાઓ નવી યોજનાનો લાભ લઈ શકશે.

(9:55 pm IST)