Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સૌરવ ગાંગુલી રાજ્યસભામાં જઈ શકે! :ટ્વીટ કરીને નવી ઈનિંગ શરૂ કરવાના આપ્યા સંકેત

રાજ્યસભાના નામાંકિત સભ્યોના નામોને લઈને સરકારના ટોચના નેતાઓની બેઠક બાદ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરતા અટકળને વેગ મળ્યો

નવી દિલ્હી :પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના BCCI અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના સમાચાર ચાલી રહ્યા છે. દરમિયાન સૂત્રોને ટાંકીને માહિતી મળી છે કે સૌરવ ગાંગુલી નામાંકિત સભ્ય તરીકે રાજ્યસભામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યસભાના નામાંકિત સભ્યોના નામોને લઈને આજે સરકારના ટોચના નેતાઓની બેઠક થઈ હતી. આ મીટિંગ પછી જ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કરીને જાણકારી આપી કે તે પોતાના જીવનનો એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીના રાજકારણમાં આવવાના સમાચાર પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચારીના સમયથી આવી રહ્યા છે, પરંતુ તેમણે હંમેશા આવા સમાચારો પર પૂર્ણવિરામ મૂક્યું છે.

 સૌરવ ગાંગુલીએ આજે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેના પછી ગાંગુલીના BCCI અધ્યક્ષ પદ છોડવાના ઘણા સમાચાર આવ્યા હતા. જોકે, BCCI સેક્રેટરી જય શાહે ગાંગુલીના રાજીનામાના સમાચારને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. માહિતી આપતા શાહે કહ્યું છે કે ગાંગુલીએ બીસીસીઆઈના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું નથી. તમને જણાવી દઈએ કે સૌરવ ગાંગુલીને વર્ષ 2019માં BCCIના અધ્યક્ષ પદની કમાન સોંપવામાં આવી હતી.

પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ ટ્વીટર પર લખ્યું, 1992માં શરૂ થયેલી મારી ક્રિકેટ સફરના વર્ષ 2022માં મેં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારથી લઈને અત્યાર સુધી ક્રિકેટે મને ઘણું આપ્યું છે. હું દરેક વ્યક્તિનો આભાર માનું છું જેણે મને આ લાંબી સફરમાં સાથ આપ્યો, મને દરેક સમયે મદદ કરી, હું એક નવી ઇનિંગ શરૂ કરવા જઈ રહ્યો છું, જેથી હું ઘણા લોકોને મદદ કરી શકીશ. હું આશા રાખું છું કે મારી નવી સફરમાં પણ મને તમારા બધાનો સાથ મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે  થોડા દિવસ પહેલા ગૃહમંત્રી અમિતભાઈ  શાહ ગાંગુલીને મળ્યા હતા. તે દરમિયાન અમિત ભાઈ શાહ ગાંગુલીના ઘરે ડિનર માટે પહોંચ્યા હતા. અમિતભાઈ  શાહ આ રીતે ગાંગુલીને મળ્યા પછી જ આવા સમાચારો તેજ થઈ ગયા હતા કે ગાંગુલી બહુ જલ્દી રાજકારણમાં ડેબ્યૂ કરી શકે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગાંગુલી અમિત શાહ અને બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પણ મળ્યા હતા. તે સમયે એવા અહેવાલ હતા કે ગાંગુલી ટૂંક સમયમાં પાર્ટીનો ભાગ બની શકે છે.

(9:36 pm IST)