Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

વિશ્વબજારમાં ક્રૂડ ૧૨૩ ડૉલરને વટાવી જતાં શૅરબજારમાં ત્રણ દિવસનો સુધારો અટક્યો

યુરોપિયન યુનિયન તરફથી નવા અંકુશ જારી થતાં ક્રૂડમાં નવો કરન્ટ

મુંબઈ :  યુરોપિયન યુનિયન તરફથી નવા અંકુશ જારી થતાં ક્રૂડમાં નવો કરન્ટ છે. બ્રેન્ટ ક્રૂડ વધીને ૧૨૩ ડૉલરને પાર કરી ગયું છે. ઇન્ડસ્ટ્ર‌િયલ મેટલ પોણાથી દોઢ ટકો સુધારામાં દેખાતી હતી. સિંગાપોર તથા જપાનની સાધારણ પીછેહઠને બાદ કરતાં અન્ય એશિયન બજારો ઠીક-ઠીક મજબૂત હતાં. ચાઇના, ઇન્ડોનેશિયા, તાઇવાન, હૉન્ગકૉગ સવાથી દોઢ ટકાની આસપાસ પ્લસ હતા. યુરોપ ફ્લૅટ ઓપનનિંગ બાદ પોણા ટકા જેવું રનિંગમાં નીચે દેખાયું હતું. ઘરઆંગણે જીડીપીના આંકડાનો ઇન્તજાર હતો, જે મંગળવારે સાંજે આવવાના હતા. સતત ત્રણ દિવસના સુધારા પછી થાક લાગ્યો હોય એમ બજાર ગઈ કાલે આરંભથી અંત સુધી માઇનસ ઝોનમાં રહી ૩૫૯ પૉઇન્ટની પીછેહઠમાં ૫૫૫૬૬ તથા નિફ્ટી ૭૭ પૉઇન્ટની નરમાઈમાં ૧૬૫૮૪ ઉપર બંધ થયો છે. સેન્સેક્સ નિફ્ટી તથા લાર્જ કૅપના મુકાબલે રોકડું અને માર્કેટ-બ્રેડ્થમાં પૉઝિટિવિટી ટકી રહી છે. એનએઈ ખાતે ૧૦૯૬ શૅર વધ્યા હતા, ૯૫૭ જાતો નરમ હતી. સેક્ટોરલ મિશ્ર વલણમાં હતા. પાવર અને યુટિલ‌િટીઝ બેન્ચમાર્ક બે-સવાબે ટકા ડાઉન હતા. મેટલ ઇન્ડેક્સ પોણાબે ટકા, તો રિયલ્ટી ઇન્ડેક્સ બે ટકાથી વધુ અપ હતો. બૅન્કિંગ ફાઇનૅન્સ પોણાથી એક ટકો ઢીલું હતું. ઑટો બેન્ચમાર્ક ૨૨૯ પૉઇન્ટ આગળ વધ્યો છે.
સેન્સેક્સના ૩૦માંથી ૧૪ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર પ્લસ હતા. નિફ્ટીમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક અને હિન્દુસ્તાન યુનિલીવર જૈસે-થે હતા. ઓએનજીસી સારાં પરિણામ પાછળ સવાપાંચ ટકાની તેજીમાં ૧૫૨ નજીકના બંધમાં અહીં બેસ્ટ ગેઇનર બન્યો છે. મહિન્દ્ર રિઝલ્ટનો કરન્ટ જાળવી રાખતાં ૧૦૪૩ની વર્ષની નવી ટૉપ બનાવી સાડાત્રણ ટકાથી વધુની આગેકૂચમાં ૧૦૩૪ નજીકના બંધમાં સેન્સેક્સમાં ટૉપ ગેઇનર રહ્યો છે. અન્ય ફ્રન્ટલાઇનમાં એનટીપીસી, પાવર ગ્ર‌િડ, ટેક મહિન્દ્ર, કોલ ઇન્ડિયા, તાતા કન્ઝ્‍યુમર પ્રોડક્ટસ, જેએસડબલ્યુ સ્ટીલ, બ્રિટાનિયા, હિન્દાલ્કો, એસબીઆઇ લાઇફ, અપોલો હૉસ્પિટલ, ટાઇટન અને આઇશર મોટર દોઢ ટકાથી માંડીને સાડાત્રણ ટકા સુધી ઊંચકાયા છે. કોટક મહિન્દ્ર બૅન્ક નરમાઈની ચાલ આગળ ધપાવતાં સાડાત્રણ ટકાની ખરાબીમાં ૧૯૩૭ના બંધમાં નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર બની છે, જ્યારે સનફાર્મા નફામાંથી તગડી ખોટમાં આવતાં ત્રણ ટકાથી વધુની નબળાઈમાં ૮૬૦ બંધ આપી સેન્સેક્સમાં ટૉપ લુઝર થયો છે. ટાઇટન નિફ્ટમાં પોણો ટકા વધીને ૨૨૯૫ બંધ થયો છે, જ્યારે સેન્સેક્સ ખાતે શૅર ૧.૭ ટકાના ઘટાડામાં ૨૨૧૮ની અંદર બંધ હતો. ટાઇટન જેવી જાતમાં બે બજાર વચ્ચેના બંધ ભાવમાં આટલો મોટો ફરક? હેવીવેઇટ રિલાયન્સ આગલા દિવસે તેજી બાદ પ્રત્યાઘાતી ઘટાડામાં નીચામાં ૨૬૧૫ થઈ એક ટકાથી વધુની પીછેહઠમાં ૨૬૩૪ રહ્યો છે. અદાણી ગ્રુપ ખાતે અદાણી પાવર પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૩૨૪ની અંદર ગયો છે. અદાણી ટ્રાન્સમિશનમાંય પાંચ ટકાની મંદીની સર્કિટ હતી.

(8:34 pm IST)