Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

લખીમપુર હિંસાના સાક્ષી દિલબાગ સિંહ પર હુમલો

સિંહ તિકુનિયા હિંસાના સાક્ષીઓમાંના એક છે ઃ બદમાશોએ દિલબાગસિંહની એસયુવીનું ટાયર પંચર કર્યું જોકે કારનો દરવાજો ન ખુલતા બે શખ્સો નાસી ગયા

નવી દિલ્હી, તા.૧ ઃ ભારતીય કિસાન યુનિયનના જિલ્લા પ્રમુખ અને લખીમપુર હિંસાના સાક્ષી દિલબાગ સિંહ પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. પોલીસે બુધવારે આ જાણકારી આપતા કહ્યું કે, આ હુમલો મંગળવારે રાત્રે થયો જ્યારે દિલબાગ સિંહ ગોલા કોતવાલી વિસ્તારમાં અલીગંજ-મુડા રોડથી પોતાની એસયુવીમાં ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે બે વ્યક્તિઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં દિલબાગ સિંહને કોઈ ઈજા થઈ નથી.    

સિંહ ૩ ઓક્ટોબર, ૨૦૨૧ની તિકુનિયા હિંસાના સાક્ષીઓમાંના એક છે. તિકુનિયા હિંસામાં ૪ ખેડૂતો, ૧ પત્રકાર સહિત ૮ લોકો માર્યા ગયા હતા. આ કેસમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા જેલમાં છે. દિલબાગ સિંહે ફોન પર કહ્યું કે, બદમાશોએ તેમની એસયુવીનું ટાયર પંચર કર્યું જેના કારણે તેમણે વાહન રોકવું પડ્યું. જે બાદ બદમાશોએ એસયુવીનો દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. આ કારમાં દિલબાગ સિંહ એકલા જ હતા. જે બાદ હુમલાખોરો એસયુવીની અંદર ઠીક રીતે મને જોઇ ન શક્યા અને ત્યાંથી ભાગી ગયા.  આ ઘટના બાદ દિલબાગ સિંહે ગોલા કોતવાલી પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી. જેની જાણકારી રાકેશ ટિકૈતને આપવામાં આવી છે. આ કેસમાં પોલીસનું કહેવુ છે કે, આ ઘટનાને લઇને ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવી છે. આ કેસમાં પોલીસ હુમલાખોરોની ઓળખ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને હાલ આ કેસની તપાસ ચાલૂ છે. 

(8:10 pm IST)