Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

પ્રેમીને મળવા બાંગ્લાદેશની યુવતી તરીને ભારત આવી

લગ્ન કર્યા પણ ગેરકાયદે ઘૂસવા બદલ ધરપકડ કરાઈ ઃ યુવતીએ ખતરનાક જંગલી પ્રાણીઓની પરવા કર્યા વિના ડેલ્ટા ઓળંગી અને તેના પ્રેમને શોધવા માટે ભારત પહોંચી

કોલકાતા, તા.૧ ઃ ૨૨ વર્ષની બાંગ્લાદેશી યુવતીએ પોતાનો પ્રેમને પામવા માટે ખતરનાક જંગલી પ્રાણીઓથી ભરેલો સુંદરવન ડેલ્ટા પાર કર્યો હતો. આ કપલના લગ્ન તો થઈ ગયા, પરંતુ તેમ છતાં યુવતીની પરેશાનીઓ ઓછી થઈ નથી. એક ૨૨ વર્ષની બાંગ્લાદેશી યુવતીએ ભારતમાં તેના પ્રેમી સાથે લગ્ન કરવા પશ્ચિમ બંગાળ (ભારત) અને બાંગ્લાદેશમાં આવેલી વિશ્વની સૌથી મોટી નદી સુંદરબન ડેલ્ટાને પાર કરી લીધી. આ યુવતીએ ખતરનાક જંગલી પ્રાણીઓની પરવા કર્યા વિના ડેલ્ટા ઓળંગી અને તેના પ્રેમને શોધવા માટે ભારત પહોંચવા માટે એક કલાક સુધી તરી ગઈ.

યુવતીનું નામ કૃષ્ણા મંડલ છે, જેની ભારતના અભિક મંડલ સાથે ફેસબુક પર મિત્રતા શરૃ થઈ હતી. થોડી જ વારમાં તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. હવે ક્રિષ્ના અભિકને મળવાનું નક્કી કરે છે. પણ મળતા પહેલાં એક સમસ્યા સર્જાઇ, કૃષ્ણા પાસે પાસપોર્ટ ન હોવાથી તેણે ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવાનું નક્કી કર્યું.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કૃષ્ણા સૌપ્રથમ સુંદરવન ડેલ્ટામાં પ્રવેશી હતી. સુંદરવન ડેલ્ટા રોયલ બંગાળ વાઘ માટે જાણીતું છે. પરંતુ તેની પરવા કર્યા વિના, કૃષ્ણાએ ૧ કલાક સુધી ડેલ્ટામાં તરીને પસાર કર્યો.

સાચા પ્રેમને મળતા કોણ રોકી શકે, આખરે કૃષ્ણાની મહેનત રંગ લાવી અને ત્રણ દિવસ પહેલા કૃષ્ણાએ કોલકાતાના કાલીઘાટ મંદિરમાં પોતાના પ્રેમી અભિષેક સાથે લગ્ન કર્યા હતા. સોમવારે દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ કૃષ્ણાની ધરપકડ કરવામાં આવી હતી. સૂત્રોએ જણાવ્યું કે કૃષ્ણાને બાંગ્લાદેશ હાઈ કમિશનને સોંપવામાં આવી શકે છે. આ પહેલાં પણ આવી ઘટનાઓ સામે આવી હતી, જ્યાં આ વર્ષની શરૃઆતમાં, એક બાંગ્લાદેશી કિશોર ભારતમાંથી ચોકલેટ ખરીદવા માટે સરહદ પાર કરી ગયો હતો.

(8:09 pm IST)