Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

યુનિ. કેમ્પસમાં નમાજ પઢનારા પ્રોફેસરને રજા પર ઊતારાયા

યુપીની અલીગઢ યુનિવર્સિટીનો બનાવ ઃ આ મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવાઈ

લખનૌ, તા.૧ ઃ યુપીના અલીગઢની એક કોલેજ કેમ્પસમાં નમાજ પઢવાના પગલે પ્રોફેસરને રજા પર મોકલી દેવાયા છે. મળતી માહિતી પ્રમાણે પ્રોફેસરનો કોલેજ કેમ્પસમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદથી ભારતીય જનતા યુવા મોર્ચાના નેતાએ આનો વિરોધ કર્યો હતો. આ ઘટના અલીગઢની શ્રી વાર્ષ્ળેય કોલેજની છે. અહીં પ્રોફેસર એસ આર ખાલિદનો કોલેજ લોનમાં નમાજ પઢવાનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદથી તેમના વિરુદ્ધ કાર્યવાહીની માગ થઈ રહી હતી. હવે પ્રોફેસરને ૧ મહિનાની ફરજિયાત રજા પર મોકલી દેવાયા છે.

 કોલેજના પ્રવક્તાએ મીડિયાને જણાવ્યુ કે આ મામલે તપાસના આદેશ પણ આપી દીધા છે. તેમણે જણાવ્યુ કે ભારતીય જનતા યુવા મોર્ચાના કેટલાક કાર્યકર્તાઓએ પ્રોફેસર પર અનુશાસનહીનતા અને સાર્વજનિક સ્થાન પર નમાજ પઢીને માહોલ બગાડવાનો આરોપ લગાવ્યો હતો.

આ મામલે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવાઈ છે. પોલીસનુ કહેવુ છે કે કોલેજ વહીવટીતંત્રનો રિપોર્ટ મળ્યા બાદ જ આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થી નેતા દીપક શર્મા આઝાદે જણાવ્યુ કે કોલેજ પરિસરની અંદર નમાજ પઢીને પ્રોફેસર શાંતિપૂર્ણ માહોલને ખરાબ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.

(8:08 pm IST)