Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

કાશ્મીરમાં તમામ હિન્દુ કર્મીઓની જિલ્લા મુખ્ય મથકમાં થશે ટ્રાન્સફર :કાશ્મીરી પંડિતોએ હિજરતની આપી હતી ચેતવણી

કુલગામમાં શિક્ષિકા રજનીબાલાની હત્યા બાદ મોટો નિર્ણય લીધો :એલજી મનોજ સિન્હાએ બેઠક યોજ્યા બાદ નિર્ણય લેવાયો

કુલગામમાં શિક્ષિકા રજનીબાલાની હત્યા બાદ જમ્મુ-કાશ્મીર સરકારે મોટો નિર્ણય લીધો છે. એલજી મનોજ સિન્હાએ આ અંગે બેઠક યોજી છે. બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે, પીએમ પેકેજ હેઠળ કામ કરનારાઓને સુરક્ષિત સ્થાનો પર ટ્રાન્સફર કરવામાં આવશે.

જણાવી દઈએ કે, તાજેતરમાં પીએમ પેકેજ હેઠળ કામ કરતા બે કર્મચારીઓની હત્યા બાદ કાશ્મીરી પંડિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કાશ્મીરી પંડિતોએ કહ્યું હતું કે, તેઓ અનાથ બનવા માગતા નથી. જો સરકાર સુરક્ષા નહીં આપે તો તે લોકોને હિજરત કરવાની ફરજ પડશે.

કાશ્મીરી પંડિત અને ચદૂરા તહસીલ ઓફિસના સરકારી કર્મચારી રાહુલ ભટ્ટની હત્યાના વિરોધમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કાશ્મીરી પંડિતોને મળ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો અને તેમની ફરિયાદોના નિરાકરણની ખાતરી આપી હતી. એક સ્થાનિકે કહ્યું કે, એલજીએ અમને ખાતરી આપી છે કે, તેઓ અમારી ફરિયાદો પર ધ્યાન આપશે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, એલજી મનોજ સિન્હાએ વડાપ્રધાનના રાહત પેકેજનો વિરોધ કરી રહેલા કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટ અને કાશ્મીરી પંડિત કર્મચારીઓના સહયોગીઓને મળવા બડગામના શેખપુરાની મુલાકાત લીધી હતી અને શોક વ્યક્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, એલજી મનોજ સિન્હાએ આ મામલે ન્યાય અને તેમની ફરિયાદોના તાત્કાલિક નિરાકરણની ખાતરી આપી હતી

(7:48 pm IST)