Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

ખેડૂતોના પુરુષાર્થ અને વૈજ્ઞાનિકોના માર્ગદર્શનથી ખાદ્યાન્ન ક્ષેત્રે દેશ સ્વાવલંબી બન્યો, હવે પ્રાકૃતિક કૃષિથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે વૈજ્ઞાનિકો સંકલ્પબદ્ધ બને: રાજ્યપાલ

દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK)નાં વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતા રાજ્યપાલ

નવી દિલ્હી :ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા હિમાચલ પ્રદેશના સોલન ખાતે  ડૉ. વાય. એસ. પરમાર, યુનિવર્સિટીમાં યોજાયું હતું. 12મું દ્વિ-વાર્ષિક રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલન
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, કૃષિ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ  રહ્યાં હતા

ગુજરાતના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતે હિમાચલ પ્રદેશના સોલન ખાતેની ડૉ. વાય એસ. પરમાર હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી ખાતે યોજાયેલાં 12માં દ્વિ-વાર્ષિક રાષ્ટ્રીય કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો-KVKનાં વૈજ્ઞાનિકોને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે માર્ગદર્શન આપ્યુ હતું.

 રાજ્યપાલએ સંમેલનના ઉદ્ઘાટન સત્રમાં જણાવ્યું હતું કે, 60ના દશકમાં ખાદ્યાન્ન ક્ષેત્રે દેશને સ્વાવલંબી બનાવવા ક્ષેત્રે કૃષિ વૈજ્ઞાનિકોનું પ્રદાન મહત્વપૂર્ણ રહ્યુ હતું. હવે પ્રાકૃતિક કૃષિથી લોકોના સ્વાસ્થ્યની રક્ષા માટે, ખેતી અને ખેડૂતોની સમૃદ્ધિ માટે વૈજ્ઞાનિકો સંકલ્પબદ્ધ બને.

રાજ્યપાલશ્રીએ કૃષિ વૈજ્ઞાનિકોને સંબોધતા જણાવ્યુ હતું કે, આઝાદી બાદ ખાદ્યાન્નની આપૂર્તિ માટે રાસાયણિક કૃષિ દ્વારા હરિત ક્રાંતિ એ સમયની માંગ હતી. હવે આખું વિશ્વ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી ત્રસ્ત છે. ગ્લોબલ વોર્મિંગ ની સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો 24 ટકા હિસ્સો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના બેફામ ઉપયોગથી જળ-જમીન અને પર્યાવરણ દુષિત થઈ રહ્યા છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, દુષિત ઉત્પાદનો આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય  સામે ખતરો ઉભો થયો છે, ત્યારે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે.

  રાજ્યપાલએ વૈજ્ઞાનિકોને પરિવર્તનના પ્રહરી ગણાવી જણાવ્યુ હતું કે, વૈજ્ઞાનિકો પોતાના સંશોધનો-કૌશલ્યની મદદથી વર્તમાન પડકારોનો ઉકેલ મેળવી પ્રાકૃતિક કૃષિની મદદથી આપત્તિને અવસરમાં પરિવર્તિત કરે અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વૈજ્ઞાનિક તથ્યોથી માહિતગાર કરી દેશભરમાં ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ બને. તેમણે જણાવ્યું હતું કે, આજ આંધ્ર પ્રદેશમાં 6 લાખ ખેડૂતો, ગુજરાતમાં બે લાખ ખેડૂતો અને હિમાચલ પ્રદેશમાં 1 લાખ 70 હજાર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે, જે આ કૃષિ પદ્ધતિની સફળતા દર્શાવે છે.

રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્રને સમૃદ્ધ બનાવવા સંકલ્પબદ્ધ છે. દેશભરના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે પ્રધાનમંત્રીશ્રીએ આહ્વાન કર્યું છે, ત્યારે દેશભરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિના વિજ્ઞાનને ખેતર સુધી પહોંચાડી ખેડૂતોને માર્ગદર્શિત કરવા પુરુષાર્થ કરે.
આ પ્રસંગે રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિના બીજામૃત, જીવામૃત-ઘન જીવામૃત, મલ્ચીંગ, વાપ્સા અને મિશ્ર પાક જેવા મહત્વના સિદ્ધાંતોની વિગતવાર સમજ આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, દેશી ગાયના એક ગ્રામ છાણમાં 300 કરોડ સૂક્ષ્મ જીવાણું હોય છે. એટલું જ નહીં ગૌ-મૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ-ગૌમૂત્ર, બેસન, ગોળ અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત-ઘન જીવામૃત પ્રાકૃતિક ખાતરનું કાર્ય કરે છે, આ એક પ્રકારનું કલ્ચર છે જે જમીનમાં સૂક્ષ્મ જીવાણુની વૃદ્ધિ કરે છે અને જમીનનાં ઓર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો કરે છે, જેથી જમીન ફળદ્રુપ બને છે. રાજ્યપાલશ્રીએ ગુરુકુળ કુરુક્ષેત્રમાં 200 એકર જમીન થઈ રહેલી પ્રાકૃતિક કૃષિના સ્વાનુભાવને વર્ણવતા જણાવ્યુ હતું કે, પ્રાકૃતિક કૃષિથી જળ-જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે, જમીનની ફળદ્રુપતા વધે છે, દેશી ગાયનું જતન સંવર્ધન થાય છે, કૃષિ ખર્ચ ઘટે છે અને સરવાળે ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. પ્રાકૃતિક કૃષિમાં મલ્ચીંગ અર્થાત્ જમીનમાં કૃષિ અવશેષોથી આચ્છાદન કરવાથી જમીનને ઉંચા તાપમાન સાથે રક્ષણ મળે છે. ભેજનું પ્રમાણ જળવાય છે. નિંદામણાની સમસ્યાથી મુક્તિ મળે છે અને અળસિયાં જેવા મિત્ર જીવોને દિવસ-રાત કામ કરવાનું વાતાવરણ મળે છે. અળસિયા જમીનમાં છિદ્ર બનાવે છે જેનાથી જમીનને પૂરતી માત્રામાં ઓક્સિજન મળે છે અને વરસાદી પાણીનો જમીનમાં સંગ્રહ થાય છે. પ્રાકૃતિક કૃષિથી પાણીનો વપરાશ 50 ટકા જેટલો ઘટાડી શકાય છે.
રાજ્યપાલએ જૈવિક કૃષિ અર્થાત્ ઓર્ગેનિક ખેતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિને સાવ અલગ ગણાવતા જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી, શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે. નિંદામણની સમસ્યાનો હલ થતો નથી, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં શરૂઆતથી જ ઉત્પાદનમાં ઘટાડો થતો નથી, કૃષિ ખર્ચ ઘટે છે અને ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિને લોકોના સ્વાસ્થ્ય માટે લાભદાયી ગણાવી ઉમેર્યું હતું કે, હવે લોકો ફેમિલી ડૉક્ટરની સાથે ફેમિલી ફાર્મરની આવશ્યકતા સમજી રહ્યા છે. રાજ્યપાલએ આ પ્રસંગે કૃષિ પ્રદર્શનને પણ ખુલ્લુ મૂક્યું હતું.
આ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ઉપયોગથી ઉત્પાદન વધે તે હવે શક્ય નથી. જમીન બંજર બની રહી છે, ત્યારે જમીન અને માનવીના સ્વાસ્થ્યની રક્ષા માટે પ્રાકૃતિક કૃષિ આશીર્વાદરૂપ છે, તેમણે કૃષિ ક્ષેત્રે ટેક્નોલૉજીના ઉપયોગ ઉપર પણ ભાર મૂક્યો હતો.
આ સંમેલનમાં વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા કેન્દ્રના કૃષિમંત્રીનરેન્દ્રસિંહ તોમરે દેશના કૃષિ વિકાસમાં ખેડૂતોનો પરિશ્રમ અને કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધન-માર્ગદર્શનને મહત્વરૂપ ગણાવી ઉમેર્યું હતું કે, સ્વસ્થ માટી, સ્વસ્થ ખેતી, સ્વસ્થ કૃષિ ઉત્પાદનથી સ્વસ્થ ભારતના નિર્માણ માટે દેશના ખેડૂતો અને કૃષિ વૈજ્ઞાનિકો પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપવા પ્રતિબદ્ધ બને. તેમણે કૃષિ વિકાસ ક્ષેત્રે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને ચાવીરૂપ ગણાવ્ય હતા. જ્યારે આ સંમેલનમાં ઉપસ્થિત કેન્દ્રના કૃષિ રાજ્યમંત્રી કૈલાસ ચૌધરીએ આ સંમેલનને કૃષિ વિકાસનું ચિંતન પર્વ ગણાવ્યું હતું. તેમણે કૃષિ હિતકારી સંશોધનો ખેડૂતોના ખેતર સુધી સરળતાથી પહોંચે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના કૃષિ વૈજ્ઞાનિકોને અનુરોધ કર્યો હતો અને આત્મનિર્ભર કૃષિ અને આત્મનિર્ભર કિસાન માટે પ્રાકૃતિક કૃષિને શ્રેષ્ઠ પદ્ધતિ ગણાવી હતી.
આ સંમેલનમાં ઉદ્ઘાટન સત્રના પ્રારંભે ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિદેશક ડૉ. ટી. મોહાપાત્રે કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની વિકાસગાથા પ્રસ્તુત કરી હતી. તેમણે “સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રોડક્શન સિસ્ટમ” સંદર્ભે સ્થાયી ખેતી અને ઉત્પાદન વૃદ્ધિ માટે પ્રાકૃતિક કૃષિની હિમાયત કરી હતી. જ્યારે ઉપ-મહાનિદેશક ડૉ. એ. કે. સિંહે જણાવ્યુ હતુ કે, દેશભરમાં હાલ 731 જેટલાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી ખેડૂતો પોતાની સમસ્યાના ઉકેલ માટે માર્ગદર્શન મેળવી રહ્યા છે. તેમણે પ્રેઝન્ટેશનના માધ્યમથી કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની પાંચ વર્ષથી ઉપલબ્ધિ પ્રસ્તુત કરી હતી.
આ સંમેલનમાં હિમાચલ પ્રદેશના કૃષિ મંત્રી વિરેન્દર કંવર, દેશભરની વિવિધ કૃષિ યુનિવર્સિટીના કુલપતિઓ, કૃષિ વૈજ્ઞાનિકો, નીતિ આયોગના ડૉ. નીલમ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. વાય. એસ. પરમાર યુનિવર્સિટી ઑફ હોર્ટિકલ્ચર એન્ડ ફોરેસ્ટ્રી, સોલનના કુલપતિ ડૉ. રાજેશ્વરસિંહ ચંદેલે આ પ્રસંગે “સસ્ટેનેબલ એગ્રીકલ્ચર પ્રોડક્શન સિસ્ટમ” વિષયક ટેકનિકલ સત્રોની માહિતી આપી આભારદર્શન કર્યું હતું.

(6:51 pm IST)