Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

૩૫ રૂપિયા માટે ૫ વર્ષ સુધી ચાલી લડાઈ, હવે રેલ્‍વેએ ચૂકવવા પડશે ૨.૫ કરોડ

રાજસ્‍થાનના કોટામાં રહેતા એન્‍જિનિયર સુજીત સ્‍વામીની આ લડાઈથી ૨.૯૮ લાખ વધુ લોકોને પણ ફાયદો

નવી દિલ્‍હી, તા.૧: ઘણી વખત આપણે નાની રકમના કારણે થતા નુકસાનની અવગણના કરીએ છીએ. ત્‍યારે આપણે વિચારીએ છીએ કે અરે છોડો, આટલી નાની રકમમાં તસ્‍દી શા માટે લેવી? પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ નાણાંકીય નુકસાન કરતાં નિયમો અને તેમના અધિકારો વિશે વધુ વિચારે છે. આવા જ એક વ્‍યક્‍તિએ ૩૫ રૂપિયા માટે રેલવે સાથે ૫ વર્ષ લાંબી લડાઈ લડી અને અંતે તે જીતી ગયો.

રાજસ્‍થાનના કોટામાં રહેતા એન્‍જિનિયર સુજીત સ્‍વામીની આ લડાઈથી ૨.૯૮ લાખ વધુ લોકોને પણ ફાયદો થયો છે. હવે રેલવે આ તમામને ૨.૪૩ કરોડ રૂપિયા રિફંડ કરશે. આ લડાઈમાં એ પણ રસપ્રદ હતું કે તેને ૨ વર્ષમાં ૩૩ રૂપિયા મળ્‍યા, પરંતુ ૨ રૂપિયા માટે વધુ ૩ વર્ષ સુધી લડવું પડ્‍યું.

સુજીત સ્‍વામીએ આઈઆરસીટીસી દ્વારા આપવામાં આવેલા RTI જવાબમાં કહેવામાં આવ્‍યું છે કે આઈઆરસીટીસીએ ૨.૯૮ લાખ ગ્રાહકોને રિફંડમાં રૂ. ૨.૪૩ કરોડ મંજૂર કર્યા છે. સ્‍વામીએ ૭ એપ્રિલ, ૨૦૧૭ના રોજ ગોલ્‍ડન ટેમ્‍પલ મેલમાં કોટાથી દિલ્‍હીની ટિકિટ બુક કરાવી હતી. તે ૨ જુલાઈએ મુસાફરી કરવાનો હતો, પરંતુ તેનો પ્‍લાન બદલાઈ ગયો અને તેણે ટિકિટ કેન્‍સલ કરી દીધી. જીએસટીની નવી સિસ્‍ટમ ૧ જુલાઈ, ૨૦૧૭થી લાગુ કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા જ તેણે ટિકિટ કેન્‍સલ કરી દીધી હતી. ટિકિટ ૭૬૫ રૂપિયાની હતી અને તેને ૧૦૦ રૂપિયાની કપાત સાથે ૬૬૫ રૂપિયા પાછા મળ્‍યા હતા.

સુજીત સ્‍વામીના જણાવ્‍યા અનુસાર, ટિકિટ કેન્‍સલેશન ચાર્જ તરીકે ૬૫ રૂપિયા કાપવા જોઈએ, પરંતુ આઈઆરસીટીસીએ સર્વિસ ટેક્‍સ તરીકે ૩૫ રૂપિયા વધુ કાપ્‍યા. આ પછી તેણે માહિતી અધિકાર કાયદા હેઠળ લડવાનું નક્કી કર્યું અને ૫૦ RTI દાખલ કરી. ચાર સરકારી વિભાગોને પત્રો પણ લખ્‍યા. તેમની આરટીઆઈના જવાબમાં આઈઆરસીટીસીએ કહ્યું હતું કે તેમના ૩૫ રૂપિયા પરત કરવામાં આવશે. ૧ મે, ૨૦૧૯ના રોજ તેને ૩૩ રૂપિયા પાછા મળ્‍યા, પરંતુ ૨ રૂપિયાની કપાત ફરી થઈ. આ પછી તેણે આગામી ૩ વર્ષ સુધી ૨ રૂપિયા પાછા મેળવવા માટે લડત ચલાવી અને તે રેલવે પાસેથી ૨ રૂપિયા લેવામાં પણ સફળ રહ્યો.

તેણે કહ્યું કે તેણે વારંવાર ટ્‍વીટ કરીને પૈસા પરત કરવાની માંગણી કરી. તેમણે વડાપ્રધાન, રેલવે મંત્રી, કેન્‍દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, GST કાઉન્‍સિલ અને નાણાં મંત્રાલયને પણ ટેગ કર્યા હતા. આઈઆરસીટીસી દ્વારા તેમની RTIમાં આપવામાં આવેલા જવાબમાં હવે એવું કહેવામાં આવ્‍યું છે કે ૩૫-૩૫ રૂપિયા એવા ૨.૯૮ લાખ મુસાફરોને રિફંડ કરવામાં આવશે, જેમની ટિકિટ કેન્‍સલ કરવા પર ઞ્‍લ્‍વ્‍ લાગુ થયા પહેલા સર્વિસ ટેક્‍સ કાપવામાં આવ્‍યો હતો.

(3:15 pm IST)