Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

રાષ્‍ટ્રધ્‍વજ હવે પોલીસ્‍ટરના અને મશીનથી પણ બનાવી શકાશે

સરકારે ફલેગ કોડ ઓફ ઇન્‍ડિયામાં કર્યો સુધારો :પહેલા સુતરાઉ, રેશમી, ઉની અથવા ખાદીના હાથ વણાટના ધ્‍વજની જ હતી પરવાનગી

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકારે ગયા વર્ષે ફલેગ કોડ ઓફ કન્‍ડકટમાં સુધારો કરીને પોલીસ્‍ટરના મશીનથી બનાવેલ ધ્‍વજની પણ છુટ આપી છે.જેથી તેના ‘‘હર ઘર તિરંગા'' કાર્યક્રમ હેઠળ સરકારી બીલ્‍ડીંગો, ખાનગી કચેરીઓ અને રહેણાંક મકાનોમાં ધ્‍વજ લગાવવા માટે પૂરતા પ્રમાણમાં ધ્‍વજ મળી શકે. આ પહેલા ફકત હાથ વણાટ અથવા હાથે ગુથેલા સુતરાઉ, રેશમી, ઉન અથવા ખાદીના ધ્‍વજની જ પરવાનગી હતી.

ગૃહખાતા દ્વારા ગયા વર્ષે ૩૦ ડીસેમ્‍બરે  ફલેગ કોડ ઓફ ઇન્‍ડીયા,૨૦૦૨માં સુધારાના જાહેરનામા માં કહેવાયુ હતુ કે પોલીસ્‍ટરના મશીન દ્વારા બનેલ રાષ્‍ટ્ર ધ્‍વજને પણ પરવાનગી અપાઇ છે. હવે રાષ્‍ટ્રધ્‍વજ હાથે વણેલ, હાથે ગુંથેલ અથવા મશીનથી બનાવેલ ખાદી, પોલીસ્‍ટર, ઊન, રેશમ કે ખાદીનો હશે તે ચાલશે.

આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાની ઉજવણીના ભાગ રૂપે સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવના આયોજન માટેનો પ્‍લાન કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા જાહેર કરાયો છે. આ કાર્યક્રમ ભારતીઓને પોતાના ઘરો પર તિરંગો લહેરાવવા માટે પ્રોત્‍સાહિત કરવા ૧૨ એપ્રિલે લોંચ કરાયો હતો. અમિતશાહ આઝાદીકા અમૃત મહોત્‍સવના અમલી કરણ માટેની રાષ્‍ટ્રીય સમિતિના વડા છે.

સરકારના વિભાગોને લખાયેલ એક પત્રમાં સાંસ્‍કૃતિક મંત્રાલયે કહ્યું છે કે આ મહોત્‍સવની ઉજવણીનો ઉદ્દેશ દેશવાસીઓ ના દિલમાં રાષ્‍ટ્ર પ્રેમની ભાવના જગાડવાનો અને આપણા રાષ્‍ટ્રધ્‍વજ પ્રત્‍યેની જાગૃતિ વધારવાનો છે.

(3:13 pm IST)