Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સરકારને ‘મજો-મજો' : મે નું GST કલેકશન રૂા. ૧,૪૦,૮૮૫ કરોડ

માર્ચ ૨૦૨૨થી સતત ત્રીજી વખત રૂા. ૧.૪૦ લાખ કરોડથી વધુ કલેકશન થયું : GST લાગુ થયા બાદ ચોથી વખત : ગયા વર્ષના મે મહિના કરતા ૪૪ ટકા વધુ : CGST રૂા. ૨૫૦૩૬ કરોડ, SGST રૂા. ૩૨૦૦૧ કરોડ, IGST રૂા. ૭૩૩૪૫ કરોડ અને સેસ રૂા. ૧૦૫૦૨ કરોડ

નવી દિલ્‍હી તા. ૧ : જીએસટી કલેકશનના મોરચે સરકારને ફરી એકવાર રાહત મળી છે. સરકારને માર્ચ ૨૦૨૨ બાદ સતત ત્રીજી વખત ૧.૪૦ લાખ કરોડથી વધુ જીએસટી કલેકશન પ્રાપ્‍ત થયું છે. આજે જારી આંકડા અનુસાર સરકારને મે-૨૦૨૨માં કુલ રૂા. ૧,૪૦,૮૮૫ કરોડનું જીએસટી કલેકશન પ્રાપ્‍ત થયું છે. જીએસટી નિયમ લાગુ થયા બાદ આ ચોથો પ્રસંગ છે કે જ્‍યારે સરકારને આટલુ કલેકશન મળ્‍યું હોય. સરકારને જે કલેકશન પ્રાપ્‍ત થયું છે તે ગત વર્ષના મે મહિના કરતાં ૪૪% વધુ છે. મે ૨૦૨૨માં GSTની કુલ આવક રૂા. ૧.૪૦ લાખ કરોડની ઉપર આવી ગઈ છે. મે ૨૦૨૨ ના મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનામાં રૂા. ૯૭,૮૨૧ કરોડની GST આવક કરતાં ૪૪% વધુ છે, જો કે, અગાઉના મહિના કરતાં ૧૬% ઓછી છે. એપ્રિલમાં જીએસટી કલેક્‍શન રૂા. ૧.૬૭ લાખ કરોડથી વધુના સર્વકાલીન ઉચ્‍ચ સ્‍તરે પહોંચ્‍યું હતું.
મે મહિનામાં કુલ આવક રૂા. ૧,૪૦,૮૮૫ કરોડ છે જેમાંથી CGST રૂા. ૨૫,૦૩૬ કરોડ, SGST રૂા. ૩૨,૦૦૧ કરોડ, IGST રૂા. ૭૩,૩૪૫ કરોડ અને સેસ રૂા. ૧૦,૫૦૨ કરોડ છે.
‘મે મહિનામાં કલેક્‍શન, જે નાણાકીય વર્ષના પ્રથમ મહિનાના એપ્રિલના રિટર્નને લગતું છે, તે એપ્રિલ કરતાં હંમેશા ઓછું રહ્યું છે, જે માર્ચ, નાણાકીય વર્ષ બંધ થવાના રિટર્નને લગતું છે. જો કે, તે જોવું પ્રોત્‍સાહક છે કે મે ૨૦૨૨ના મહિનામાં પણ GST કલેક્‍શન રૂા. ૧.૪૦ લાખ કરોડના આંકડાને વટાવી ગયું છે,' નાણા મંત્રાલયે એક રિલીઝમાં જણાવ્‍યું હતું.
આ ચોથી વખત છે જયારે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST)ની શરૂઆતથી માસિક GST કલેક્‍શન રૂા. ૧.૪૦ લાખ કરોડના આંકને વટાવી ગયું હોય.
મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક ૪૩% વધુ હતી અને સ્‍થાનિક વ્‍યવહાર (સેવાઓની આયાત સહિત) ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં ૪૪% વધુ છે.
એપ્રિલ ૨૦૨૨ના મહિનામાં જનરેટ થયેલા ઈ-વે બિલની કુલ સંખ્‍યા ૭.૪ કરોડ હતી, જે માર્ચ ૨૦૨૨ના મહિનામાં જનરેટ થયેલા ૭.૭ કરોડ ઈ-વે બિલ કરતાં ૪% ઓછી છે.

 

(3:11 pm IST)