Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં કારમાં સવાર મિત્રએ કર્યા નવા ખુલાસા : ગુરવીન્દરે નિવેદન આપ્યું

ગુરવિંદરે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી: આ ઘટનાનો સૌથી મહત્વનો સાક્ષી ગુરવિંદર લુધિયાણાની DAC હોસ્પિટલમાં સારવાર હેઠળ

નવી દિલ્હી : પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ ઘટના અંગે સિદ્ધુ સાથે તેની કારમાં જઈ રહેલા ગુરવિંદરે પોલીસને નિવેદન આપ્યું છે. આ દરમિયાન ગુરવિંદરે ઘણી મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે. હાલમાં ગુરવિંદર લુધિયાણાની DAC હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તે આ ઘટનાનો સૌથી મહત્વનો સાક્ષી છે, જેણે સિદ્ધુ સાથે થારમાં બેસતી વખતે કહ્યું હતું કે, બુલેટ પ્રૂફ ગાડી લઇ લઇએ, પરંતુ સિદ્ધુ તેમની સાથે થારમાં જ નીકળી ગયો હતો. સિદ્ધુ મુસેવાલાના મિત્ર ગુરવિંદરે પોલીસને જણાવ્યું હતું કે, કારને પ્રથમ ટક્કર માર્યા બાદ તેણે હુમલાખોરો પર બે વખત ગોળીબાર પણ કર્યો હતો.

ગુરવિંદરે પોલીસને કહ્યું, ‘મેં મારી પિસ્તોલથી બે વખત ફાયરિંગ કર્યું હતું. પરંતુ હુમલાખોરોએ કારને ચારે બાજુથી ઘેરી લીધી અને ગોળીબાર ચાલુ કર્યો હતો. હુમલાખોરોમાંથી એક શખ્સે સામેથી અસોલ્ટ રાઈફલ વડે ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન હું મારી જાતને બચાવવા માટે પ્રયાસો કરી રહ્યો હતો. હુમલાખોરોનું ફોકસ સિદ્ધૂ પર હતું. પોલીસને આપેલા નિવેદનમાં ગુરવિંદરે જણાવ્યું કે, “જ્યારે હુમલો થયો તો મુસેવાલા પોતાની મામીના ઘરે જઇ રહ્યો હતો. તેણે પોતાના બોડીગાર્ડ્સને સાથે ન લીધા કારણ કે ઘર નજીકમાં જ હતું અને થાર પહેલાથી જ ભરેલી હતી.”

આપને જણાવી દઈએ કે આ ઘટનામાં ઘાયલ મૂસેવાલાના બે મિત્રો ગુરવિંદર સિંહ અને ગુરપ્રીત સિંહ લુધિયાણાની દયાનંદ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બંનેને ગઈકાલે રાત્રે 8.30 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ગુરવિંદર સિંઘ (26)ને જમણા હાથમાં ગોળી વાગી હતી જ્યારે ગુરપ્રીત સિંઘ (32)ને ડાબા હાથ અને જમણી જાંઘમાં ગોળી વાગી હતી.

 

સિંગર સિદ્ધુ મુસેવાલા જૂનમાં લગ્નના બંધનમાં બંધાવાનો હતો. તેની સગાઈ સંગરુરના ભવાનીગઢ સબડિવિઝનના સરઘેરી ગામની એક યુવતી સાથે થઈ હતી, જે હાલમાં કેનેડામાં સ્થાયી છે.

(12:07 pm IST)