Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

મિઝોરમમાં ફેલાયો આફ્રિકન સ્‍વાઇન ફિવર : ૩૭૦૦૦ ભૂંડોના મોતથી ફફડાટ

કોરોના બાદ ભારતમાં નવી મહામારી ! આપદા જાહેર કરશે સરકાર

નવી દિલ્‍હી તા. ૧ : કોરોના મહામારીના સાક્ષી બનેલા ભારતમાં ફરી વાર એક નવી મહામારીએ જન્‍મ લીધો છે. કોરોના ચામાચિડીયા અને બીજા પ્રાણીઓમાં ફેલાયો હતો પરંતુ હવે મિઝોરમમાં આફ્રિકન સ્‍વાઈન ફિવર ફેલાયો છે અને તેને કારણે અત્‍યાર સુધી ૩૭,૦૦૦થી વધુ ભૂંડના મોત થયા છે. આ ઘટનાને પગલે સરકાર હરકતમાં આવી છે અને તેને આપદા જાહેર કરવાની તૈયારી ચાલી રહી છે. મિઝોરમમાં ૭ જિલ્લાના ૫૦ ગામોમાં આફ્રિકન સ્‍વાઈન ફિવરનો કોપ ચાલી રહ્યો છે. આ રોગને કારણે ભૂંડો ટપોટપ મરી રહ્યા છે અને માણસોમાં ફેલાવાનો ખતરો પણ વધ્‍યો છે.
મિઝોરમમાં આફ્રિકન સ્‍વાઈન ફીવર (એએસએફ)થી અત્‍યાર સુધીમાં હજારો ભૂંડના મોત થયા છે. સ્‍થિતિ એટલી ખરાબ છે કે મિઝોરમની સરકારઆફ્રિકન સ્‍વાઇન ફિવરને આપદા જાહેર કરવાની તૈયારી કરી રહી છે.
રાજયના પશુપાલન અને પશુચિકિત્‍સા પ્રધાન ડો.કે.બેઇચુઆએ એજન્‍સીને જણાવ્‍યું હતું કે મુખ્‍ય પ્રધાન ઝોરમથાંગાએ રોગચાળાને રાજયની આપત્તિ તરીકે જાહેર કરવાની સંમતિ આપી દીધી છે. મિઝોરમના સાત જિલ્લાના ૫૦ થી વધુ ગામોને આ રોગની અસર થઈ છે.
મંત્રી ડો.બિછુઆએ જણાવ્‍યું હતું કે, આફ્રિકન સ્‍વાઇન ફિવરને આપદા જાહેર કરતું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે. રાજયના પશુચિકિત્‍સા વિભાગે ૨૫ મેના રોજ ડુક્કરના મૃત્‍યુના આંકડા જાહેર કર્યા છે. આંકડા મુજબ ગયા વર્ષે માર્ચથી ૨૫ મેની પહેલી તારીખ સુધીમાં આ બીમારીના કારણે ૩૭ હજારથી વધુ ભૂંડના મોત થયા છે. જેના કારણે સ્‍થાનિક લોકોને ભારે આર્થિક નુકસાન થઈ રહ્યું છે.
આફ્રિકન સ્‍વાઈન ફીવર અંગેના અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં ૧૪,૧૭૪ ભૂંડોની કતલ કરવી પડી હતી. આ વર્ષે ફેબ્રુઆરીથી ૨૫ મે સુધીમાં લગભગ ૩૮૯૦ ડુક્કરના મોત થયા છે. રિપોર્ટ અનુસાર આ વર્ષે ફેબ્રુઆરીથી અત્‍યાર સુધીમાં આફ્રિકન સ્‍વાઈન ફિવરથી બચવા માટે ૩,૨૬૪ ડુક્કરોના મોત થયા છે. મંત્રી ડો.બિષ્ટુઆએ જણાવ્‍યું હતું કે રાજય સરકારને આ રોગને કારણે મૃત્‍યુ પામેલા ડુક્કરોના બદલામાં વળતરની રકમ મળી છે.

 

(11:51 am IST)