Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

કોવિડનો સમય પુરો થતાં વકીલોને કોર્ટમાં હાજર થઇને પ્રત્‍યક્ષ સુનાવણી કરવા સુપ્રિમ કોર્ટનો વકીલોને અનુરોધ

વકીલો, ન્‍યાયાધીશો હવે રોજ કોર્ટે આવે છે તો વિડીયો કોલીંગ બંધ કરી ફીઝીકલ સુનાવણી થવી જોઇએ

નવી દિલ્‍હી તા. ૧ :.. કોવિડના સમયમાં દેશભરની કોર્ટો બંધ હતી. આ દરમ્‍યાન ધીમે-ધીમે વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી ઓનલાઇન સુનાવણી અદાલતોમાં થવા માંડી હતી.
તાજેતરમાં એક કિસ્‍સામાં સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમ્‍યાન અધિવકતા વકીલને ટકોર કરી હતી કે, કોવિડનો સમય પુરો થઇ ગયો છે. હવે આપણે બધા કોર્ટોમાં આવી રહ્યા છીએ ત્‍યારે ફીઝીકલ હિયરીંગથી અલિપ્ત રહેવાનું હવે કોઇ કારણ નથી. વકીલોએ અદાલતો સમક્ષ આવીને પ્રત્‍યક્ષ સુનાવણી કરવી જોઇએ.
સુપ્રિમ કોર્ટે વિડીયો કોન્‍ફરન્‍સથી થઇ રહેલ સુનાવણીને અટકાવીને હવે પ્રત્‍યક્ષ સુનાવણી કરવા ઉપર જોર મુકયું હતું.
જસ્‍ટીસશ્રી અજય રસ્‍તોગી અને બી. વી. નાગરત્‍નાની બેંચે ટીપ્‍પણી કરી હતી કે, ન્‍યાયાધીશો હવે રોજ કોર્ટે આવી રહ્યા છે. વકીલો પણ કોર્ટમાં આવી રહ્યા છે. ત્‍યારે હવે પ્રત્‍યક્ષ સુનાવણી કરવી જોઇએ. અદાલતોમાં હાજર રહેતા વકીલોએ હવે કોર્ટ સમક્ષ હાજર થઇને પ્રત્‍યક્ષ સુનાવણી કરવી જોઇએ.
સુપ્રિમ કોર્ટની આ ડીવીઝન બેંચે એવું પણ કહેલ કે, જયારે તમો કોર્ટ સમક્ષ હાજર રહેતા નથી તો કોર્ટ તમારા (વકીલ) ઉપર કેમ ધ્‍યાન આપે તેમ જણાવી જસ્‍ટીશશ્રીએ ત્‍યારબાદ કેસની સુનાવણી બીજા દિવસ ઉપર મુલત્‍વી રાખીને સુનાવણી કાલ સુધી સ્‍થગિત કરી દીધી હતી અને વકીલોને અનુરોધ કર્યો હતો કે, આવતીકાલે કોર્ટ સમક્ષ જાતે ઉપસ્‍થિત રહીને પ્રત્‍યક્ષ સુનાવણી કરવી જોઇએ

 

(11:48 am IST)