Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

હનુમાનનો જન્‍મ કયાં થયો હતો, કિષ્‍કિંધા કે અંજનેરી? વિવાદના નિરાકરણ દરમિયાન સંતો વચ્‍ચે મારામારી

મંદિર-મસ્‍જિદ વિવાદ વચ્‍ચે દેશમાં વધુ એક વિવાદ ચાલી રહ્યો છે :ભગવાન શ્રી રામના ભક્‍ત હનુમાનજીનો જન્‍મ કયાં થયો હતો તે અંગે ઋષિ-મુનિઓમાં મતભેદ છે : ઉકેલ માટે નાસિકમાં મહારાષ્‍ટ્ર અને કર્ણાટકના સંતોની બેઠક બોલાવવામાં આવી હતીઃ પરંતુ અહીં મારામારી થઈ હતી

નાસિક, તા.૧: મહારાષ્‍ટ્રમાં હવે ભગવાન હનુમાનના જન્‍મસ્‍થળને લઈને વિવાદ શરૂ થયો છે. મંગળવારે નાસિકમાં હનુમાનના જન્‍મસ્‍થળને લઈને એક ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. તેમાં ભાગ લેવા માટે ત્ર્યંબકેશ્વર, કર્ણાટક અને સોલાપુરથી લગભગ ૨૦-૨૫ ઋષિ-સંતો પહોંચ્‍યા હતા. જો કે ટૂંક સમયમાં જ સંતોમાં વિવાદ વધવા લાગ્‍યો. મામલો મારામારી સુધી પહોંચ્‍યો હતો.

સભામાં હનુમાન જન્‍મસ્‍થળના વિવાદમાં તુલસીદાસ મહારાજે સરસ્‍વતી ગોવિંદગીરી મહારાજને મારવા માટે માઈક ઉપાડ્‍યું હતું, જેના કારણે સભામાં હોબાળો થયો હતો. હનુમાનજીનું જન્‍મસ્‍થળ અંજનેરી છે કે કિષ્‍કંધા તે અંગે વિવાદ શરૂ થયો છે. કિષ્‍કંધના મઠાધિપતિ સરસ્‍વતી ગોવિંદગીરી મહારાજે હનુમાનના જન્‍મસ્‍થળ પર સવાલ ઉઠાવ્‍યા અને પડકાર ફેંકયા બાદ નાસિકમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

વાસ્‍તવમાં આ ધર્મ સંસદ હનુમાનના જન્‍મસ્‍થળને લઈને બોલાવવામાં આવી હતી. હનુમાનજીનો જન્‍મ કયાં થયો તે નક્કી કરવાનું હતું. જ્‍યારે ઋષિઓ વાત કરી રહ્યા હતા ત્‍યારે નાસિકના કાલારામ મંદિરના મહંત સુધીર દાસ અને કર્ણાટકના કિષ્‍કિંધાના મહંત વચ્‍ચે લડાઈ થઈ. જો કે, બાકીના સંતોએ પરિસ્‍થિતિને કાબૂમાં લીધી અને બંનેને સમજાવવામાં આવ્‍યા. આ પછી ધર્મ સંસદ રદ્દ કરવામાં આવી હતી.

ઘણા રાજ્‍યો અને ઋષિ-મુનિઓ ભગવાન હનુમાનના જન્‍મસ્‍થળને લઈને અલગ-અલગ સ્‍થળોનો દાવો કરી રહ્યા છે. તે જ સમયે, મહંત ગોવિંદ દાસ કહે છે કે ભગવાન હનુમાનનું જન્‍મસ્‍થળ કર્ણાટકના કિષ્‍કિંધામાં હતું. તો કેટલાક સંતોનું કહેવું છે કે હનુમાનજીનો જન્‍મ મહારાષ્‍ટ્રના નાસિક અને આંધ્ર પ્રદેશમાં તિરુમાલા તિરુપતિ દેવસ્‍થાનમમાં થયો હતો. આ વિવાદને સમાપ્ત કરવા માટે, મહંત શ્રી મંડલાચાર્ય પીઠાધીશ્વર સ્‍વામી અનિકેત શાષાી દેશપાંડે મહારાજે ૩૧ મેના રોજ નાસિકમાં ધર્મ સંસદ બોલાવી હતી.

બીજી તરફ, નાશિકમાં આયોજિત ધર્મ-સંસદના ભાગરૂપે સવારે ૧૧ વાગ્‍યાથી અંજનેરી વિસ્‍તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. નાસિક પોલીસે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા માટે આયોજકોને નોટિસ પાઠવી હતી.

(10:04 am IST)