Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

આજથી બેન્‍કીંગ-વીમા-LPGના ભાવ સહિત ૧૦ ફેરફાર

અસર સીધી ગજવા ઉપર પડશે

નવી દિલ્‍હી, તા.૧: આજથી વીમા, બેંકિંગ, પીએફ, એલપીજી સિલિન્‍ડરની કિંમત, આઈટીઆર ફાઇલિંગ, ગોલ્‍ડ હોલમાર્કિંગ, નાની બચત પર વ્‍યાજ જેવી ઘણી યોજનાઓના નિયમો બદલાઈ રહ્યા છે. કેટલાક ફેરફારો ૧ જૂનથી અને કેટલાક ૧૫ જૂનથી થશે. જેની સીધી અસર તમારા ખિસ્‍સા પર પડશે. આવો જાણીએ કે એવા કયા ફેરફારો છે જે તમારા જીવનને અસર કરી શકે છે...

કેન્‍દ્ર સરકારે પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજના (PMJJBY) અને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY)ના પ્રીમિયમમાં વધારો કર્યો છે. પ્રધાનમંત્રી જીવન જયોતિ વીમા યોજનાનો પ્રીમિયમ દર વાર્ષિક રૂ. ૩૩૦ થી વધીને રૂ. ૪૩૬ થયો છે. કેન્‍દ્ર સરકારના જણાવ્‍યા અનુસાર, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના માટે વાર્ષિક પ્રીમિયમ ૧૨ રૂપિયાથી વધારીને ૨૦ રૂપિયા કરવામાં આવ્‍યું છે. આ નવા પ્રીમિયમ દર ૧ જૂન, ૨૦૨૨થી અમલમાં આવ્‍યા છે.

હવે ઝવેરી આ દાગીના અમારી જગ્‍યાના નથી એમ કહીને પાછળ હટી શકશે નહીં. તેમણે હોલમાર્ક યુનિક આઇડેન્‍ટિફિકેશન (HUID) પોર્ટલ પર જવેલરીના વેચાણ વિશે સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. નવી સિસ્‍ટમ હેઠળ, જવેલરી અને ખરીદનારને જવેલરી બનાવનારનું નામ, વજન અને કિંમત પોર્ટલ પર દાખલ કરવાની રહેશે.

મોંઘવારીનો માર વાહન માલિકોના ખિસ્‍સા પર પડશે. કેન્‍દ્ર સરકારે વિવિધ કેટેગરીના વાહનો માટે થર્ડ પાર્ટી મોટર ઈન્‍સ્‍યોરન્‍સ પ્રીમિયમના દરમાં વધારો કર્યો છે. માર્ગ અને પરિવહન મંત્રાલયે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્‍યું છે.

એક્‍સિસ બેંકના ગ્રાહકો માટે મહત્‍વના સમાચાર છે. એક્‍સિસ બેંકે ૧ જૂનથી સેલેરી અને સેવિંગ એકાઉન્‍ટ પર સર્વિસ ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી છે. બેંકે આવતા મહિનાથી બચત ખાતામાં મિનિમમ બેલેન્‍સની મર્યાદા વધારી દીધી છે. આ સિવાય બેંકે મિનિમમ બેલેન્‍સ ન રાખવા માટે માસિક સર્વિસ ચાર્જમાં પણ વધારો કર્યો છે.

કમ્‍પોઝિશન સ્‍કીમ હેઠળ નોંધાયેલા નાના કરદાતાઓ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (GST) રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટે સરકારે જૂન સુધીની બે મહિનાની લેટ ફી માફ કરી દીધી છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્‍ટ ટેક્‍સિસ એન્‍ડ કસ્‍ટમ્‍સ (CBIC) એ ગુરુવારે એક સૂચનામાં જણાવ્‍યું હતું કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે GSTR-4 ફાઇલ કરવામાં વિલંબ માટે ૧ મેથી ૩૦ જૂન, ૨૦૨૨ સુધી લેટ ફી વસૂલવામાં આવશે નહીં.

 પીએફના નવા નિયમોઃ જો તમે નોકરી કરતા હોવ તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. EPFOએ પ્રોવિડન્‍ટ ફંડ ખાતાધારકો માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. નવા નિયમ અનુસાર, હવે એમ્‍પ્‍લોયરને ૧ જૂનથી દરેક કર્મચારીના ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.

સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડિયા (SBI) એ તેના હોમ લોન એક્‍સટર્નલ બેન્‍ચમાર્ક લેન્‍ડિંગ રેટમાં ૪૦ બેસિસ પોઈન્‍ટનો વધારો કરીને ૭.૦૫% કર્યો છે, જયારે RLLR ૬.૬૫% વત્તા ક્રેડિટ રિસ્‍ક પ્રીમિયમ (CRP) હશે. વધેલા વ્‍યાજ દરો ૧ જૂનથી લાગુ થશે. તેનાથી હોમ લોનના વ્‍યાજદરમાં વધારો થશે. અગાઉ EBLR ૬.૬૫% હતો, જયારે રેપો-લિંક્‍ડ લેન્‍ડિંગ રેટ (RLLR) ૬.૨૫% હતો.

નવા મહિનાથી એટલે કે આજથી એલપીજીના ભાવમાં પણ મોટો ફેરફાર થયો છે. તેલ કંપનીઓ દર મહિને એલપીજી સિલિન્‍ડરની જાહેરાત કરે છે. હાલમાં દિલ્‍હીમાં ૧૪.૨ કિલોના ગેસ સિલિન્‍ડરની કિંમત ૮૦૯ રૂપિયા છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે. આવી સ્‍થિતિમાં, આજથી ઘરેલુ સિલિન્‍ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્‍યો નથી, જયારે કોમર્શિયલ સિલિન્‍ડર ૧૩૫ રૂપિયા સસ્‍તું થઈ ગયું છે.

૧ જૂનથી હવાઈ મુસાફરી મોંઘી થઈ શકે છે. કેન્‍દ્ર સરકારે હવાઈ ભાડાની લઘુત્તમ મર્યાદામાં ૧૬ ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે. હવાઈ   ભાડાની મર્યાદા ૧૩ થી વધારીને ૧૬ ટકા કરવામાં આવી છે. આ વધારો ૧ જૂનથી અમલમાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક આદેશમાં કહ્યું છે કે ભાડાની ઉપરની મર્યાદામાં કોઈ વધારો કરવામાં આવ્‍યો નથી. તમને જણાવી દઈએ કે ૩૦ જૂને આંતરરાષ્ટ્રીય ફલાઈટ્‍સ સ્‍થગિત કરવામાં આવશે.

માર્ચમાં પીપીએફ, એનએસસી, સુકન્‍યા સમૃદ્ધિ યોજના જેવી સરકારી યોજનાઓના વ્‍યાજ દરોમાં ફેરફાર કરવામાં આવ્‍યો હતો, પરંતુ પછી સરકારે તેને ભૂલ ગણાવીને પાછો ખેંચી લીધો હતો. ત્‍યારે સરકારના નિર્ણયને ચૂંટણી સાથે જોડીને જોવામાં આવ્‍યો હતો. આમાં ૧ જૂને ફેરફાર પણ થઈ શકે છે. જોકે, નવા દર ૩૦ જૂન સુધી લાગુ રહેશે.

બેંક ઓફ બરોડા ૧ જૂનથી ચેક પેમેન્‍ટના નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહી છે. બેંક આજથી ‘પોઝીટીવ પે કન્‍ફર્મેશન' લાગુ કરી રહી છે. જોકે, ગ્રાહકોને સુવિધા આપતાં બેંકે કહ્યું છે કે ‘પોઝિટીવ પે કન્‍ફર્મેશન'નો નિયમ ૫૦ હજારથી વધુની ચુકવણી પર જ લાગુ થશે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ હવેથી ચેક ઈશ્‍યુ કરનારે લાભાર્થીઓની માહિતી અગાઉથી આપવી પડશે. બેંકનું માનવું છે કે આનાથી એક તરફ ઓછો સમય લાગશે. બીજી તરફ, ચેકની છેતરપિંડીથી પણ બચી શકાય છે.

(10:03 am IST)