Gujarati News

Gujarati News

News of Wednesday, 1st June 2022

કેન્દ્ર સરકારના કર્મચારીઓના ડીએમાં કરાયો 13 ટકાનો વધારો : જુલાઈમાં ફરી વધશે ડીએ

સરકારે પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને આપી ભેટ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 7માં પગાર પંચ હેઠળ સરકારે 3 ટકા મોંઘવારી ભથ્થું (ડીએ વધારો) આપવાની જાહેરાત કરી હતી અને જુલાઈ મહિનામાં સરકાર ફરી એકવાર કર્મચારીઓના ડીએમાં વધારો કરવા જઈ રહી છે, પરંતુ તે પહેલા સરકારે પણ પાંચમા અને છઠ્ઠા પગાર પંચ હેઠળ આવતા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. સરકારે તેમના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે.  

કર્મચારીઓના ડીએમાં 13 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવેથી આ કર્મચારીઓને પણ કેન્દ્રીય કર્મચારીઓ જેટલો જ ડીએનો લાભ મળશે. આ સાથે જ આ મહિનાથી નવા ડીએ મુજબ કર્મચારીઓના ખાતામાં પગાર જમા થઇ રહ્યો છે.

હાલ ઘણા એવા કર્મચારીઓ છે જેમને સાતમા પગાર પંચનો લાભ નથી મળી રહ્યો એટલે આ તમામને ધ્યાનમાં રાખીને સરકારે આ ખાસ પગલું ભર્યું છે. નાણા મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર 5માં પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓનો ડીએ વધીને 381 ટકા થઈ જશે.

આ સિવાય છઠ્ઠા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવેલા કર્મચારીઓની વાત કરીએ તો તેમનો ડીએ 196 ટકાથી વધીને 203 ટકા થઈ જશે. એવામાં સરકારે ડીએમાં 7 ટકાનો વધારો કર્યો છે. કર્મચારીઓને જાન્યુઆરી 2022થી વધેલા ડીએનો લાભ મળવાનું શરૂ થશે. આ સાથે તેમને 3 મહિનાની એરિયર્સનો લાભ પણ મળશે.

(11:21 pm IST)