Gujarati News

Gujarati News

News of Saturday, 1st April 2023

ભારતમાં વર્ષ ર૦રર માં ૧પપ૬૧ અંગ પ્રત્‍યારોપણ, હજુ ૩ર૭પ પ્રતિક્ષા યાદીમાં

નરહરિ અમીનને કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રીનો જવાબ

રાજકોટ તા. ૧ : શ્રી નરહરિ અમીન (સંસદસભ્‍ય, રાજયસભા) દ્વારા ‘માનવ અંગોનાં પ્રત્‍યારોપણ (ટ્રાન્‍સપ્‍લાન્‍ટ) માટે માનવ અંગોની વધતી જતી માંગ અને તેનાં પ્રત્‍યારોપણ માટેનાં અવરોધક પરિબળો વિશે કોઇ નીતિ ઘડવામાં આવી છે કે કેમ, તે બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્‍યો હતો.

તેનાં અનુસંધાને આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ રાજય મંત્રી ડો. ભારતી પ્રવિણ પવારે જણાવ્‍યું હતું કે, ‘નેશનલ ઓર્ગન ટીશ્‍યુ એન્‍ડ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ ઓર્ગેનાઇઝેશન' પાસે ઉપલબ્‍ધ માહિતી પ્રમાણે અંગ પ્રત્‍યારોપણ માટે રાહ જોઇ રહેલ રજિસ્‍ટર્ડ દર્દીઓની સંખ્‍યા વર્ષ ર૦ર૧ માં ર૮૩૩ હતી. તે વધીને વર્ષ ર૦રર માં ૩ર૭પ થઇ ગઇ છે. વર્ષ ર૦રર માં દેશમાં કુલ ૧પપ૬૧ અંગ ટ્રાન્‍સપ્‍લાન્‍ટ થયા છે, જે આશરે ર૬ ટકાનો વાર્ષિક વધારો દર્શાવે છે.

ટ્રાન્‍સપ્‍લાન્‍ટેશન ઓફ હ્યુમન ઓર્ગન્‍સ એકટ, ૧૯૯૪ માં સુધારો કરવા વર્ષ ર૦૧૧ નો (સુધારો) કાયદો ઘડયો છે અને તે હેઠળ વર્ષ ર૦૧૪ માં નિયમો ઘડી કાઢયા છે. ઉકત કાયદા અને નિયમોમાં અંગ દાતાઓનો વ્‍યાપ વધારવા અને કાનુની જટિલતાઓ દૂર કરવા વિવિધ જોગવાઇઓ કરી છે. દેશમાં માનવ અંગોનાં દાન અને પ્રત્‍યારોપણને વધારવા માટે સરકારે ‘નેશનલ ઓર્ગન ટ્રાન્‍સપ્‍લાન્‍ટ પ્રોગ્રામ' અમલમાં મુકયો છે. મૃત દાતાઓ પાસેથી અંગ-પેશીઓની પ્રાપ્ત અને રાહ જોઇ રહેલા દર્દીઓને તેની ફાળવણી માટે કાર્યક્ષમ સિસ્‍ટમ પૂરી પાડવા માટે રાષ્‍ટ્રીય સ્‍તરે (NOTTO ), પ્રાદેશિક સ્‍તરે(ROTTO) અને રાજય સ્‍તરે (SOTTO) એમ ત્રિસ્‍તરીય માળખું સ્‍થાપિત કરવામાં આવ્‍યું છે, અત્‍યાર સુધી રાષ્‍ટ્રીય સ્‍તરે-૧ નવી દિલ્‍હી ખાતે પ્રાદેશિક સ્‍તરે  પાંચ ચંડીગઢ, મુંબઇ, ચેન્નાઇ, કલકતા અને ગુવાહાટી ખાતે અને જુદા જુદા રાજયો- કેન્‍દ્ર શાસિત પ્રદેશોમાં ૧૯ રાજયસ્‍તરનાં ઓર્ગેનાઇઝેશનની સ્‍થાપના કરવામાં આવી છે.

મંત્રીએ જણાવ્‍યું કે, ભારત સરકાર રાજયો સાથે પરામર્શમાં રહીને અંગદાન અને પ્રત્‍યારોપણ માટે ‘એક રાષ્‍ટ્ર, એક નીતિ' નાં લક્ષ્ય સાથે કામ કરી રહી છે. આ સંદર્ભમાં, મૃત દાતા પાસેથી અંગ પ્રત્‍યારોપણની જરૂર હોય તેવા દર્દીઓની નોંધણી માટે રાજયનાં ડીમીસાઇલની જરૂરીયાતને દૂર કરવાનું નકકી થયું છે. હવે આવા દર્દીઓ દેશમાં કોઇપણ રાજયમાં જઇને અંગ પ્રત્‍યારોપણ માટે પોતાની નોંધણી કરાવી શકશે. સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે મૃત દાતાનું અંગ મેળવવા માટે નોંધણીની પાત્રતા માટેની ૬પ વર્ષની ઉપલી વય મર્યાદા પણ દૂર કરવામાં આવી છે. કોઇપણ વયની વ્‍યકિત મૃત દાતાનું અંગ મેળવવા માટે નોંધણી કરાવી શકે છે.

(3:47 pm IST)